ચૂંટણી 2022 : પાટણ કોંગ્રેસના ઉમેદવાર ની પ્રતિષ્ઠાને હાની પહોંચાડતું કટીંગ વાયરલ, ઉમેદવારે કરી ફરિયાદ
પાલનપુર : પાટણ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી જંગમાં હવે ગરમાવો આવી રહ્યો છે. ત્યારે આ બેઠક પરથી ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર કિરીટ પટેલની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઈરાદાથી અને ઠાકોર સમાજને ગુમરાહ કરવા કોઈપણ પ્રેસ લાઈન વગરનું કટીંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
આ વાયરલ થયેલા કટીંગ ને લઈને ડોક્ટર કિરીટ પટેલના નામે સમાજમાં બદનામ કરવાના ષડયંત્ર સામે ઠાકોર સમાજમાં રોષ સાથે નારાજગી પ્રસરી છે. આ કટીંગમાં ઠાકોર સમાજનો મતદાર રૂપિયા 50માં અને આગેવાન 5000 રૂપિયામાં વેચાઈ જાય છે. તેવા કટીંગ સાથે ડોક્ટર કિરીટ પટેલને સાંકળવામાં આવ્યા છે. પરંતુ કોઈ પ્રેસ લાઈન લખવામાં આવી નથી અને કટીંગ કયા પેપરનું છે તે પણ દર્શાવવામાં આવ્યું નથી.
જેથી કૉંગ્રેસ ના ઉમેદવાર ડોક્ટર કિરીટ પટેલે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, પાટણ વિસ્તારના ઠાકોર સમાજમાં મને પ્રચંડ પ્રતિસાદ મળતો હોવાના કારણે સોશિયલ મીડિયાના લખાણો તેમજ વીડિયો જોઈને મારી સામેના ઉમેદવારે ઠાકોર સમાજમાં મારા વિરુદ્ધ ભ્રમ પેદા થાય તે રીતે અને મારી સમાજમાં બદનામી થાય તેવા આશયથી આ કટીંગ ફરતું કર્યું છે. તેમ જણાવીને ડોક્ટર કિરીટ પટેલે આ અંગેની સમગ્ર તપાસ ક્રાઈમ વિભાગ દ્વારા કરાવવાની જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ માગણી કરી છે.