વધુ પાણી પીવાથી થયુ હતુ બ્રુસ લીનું મોતઃ જાણો રોજ કેટલુ પીવું જોઇએ?
પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે વાત આપણે સૌ જાણીએ છે. લોકોને સ્વસ્થ રહેવા માટે વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, કેમકે શરીરના દરેક અંગો યોગ્ય રીતે કામ કરે તે માટે યોગ્ય માત્રામાં પાણીની જરૂર પડે છે. આપણા શરીરમાં 70 ટકા પાણી હોય છે. આવા સંજોગોમાં શરીર માટે તેનુ મહત્ત્વ પણ વધી જાય છે. આપણા અંગોને યોગ્ય કાર્યરત રાખવા માટે તેમજ ત્વચામાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા માટે પાણી પીવુ જરૂરી છે. તમે ક્યારેય સાંભળ્યુ છે કે પાણીથી કોઇ વ્યક્તિનું મોત પણ થઇ શકે છે? વૈજ્ઞાનિકોનો દાવો છે કે હોલિવુડના દિગ્ગજ અભિનેતા બ્રુસ લીનું મોત વધુ પડતુ પાણી પીવાના કારણે થયુ હતુ.
રિસર્ચમાં થયો હતો દાવો
ક્લીનિકલ કિડની જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે કદાચ માર્શલ આર્ટ્સ લેજન્ડ અને હોલિવુડ અભિનેતા બ્રુસ લીનુ મોત વધુ પાણી પીવાના લીધે થયુ હતુ. બ્રુસ લી 20 જુલાઇ 1973ના રોજ માત્ર 32 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી ગયા. માર્શલ આર્ટ્સને દુનિયાભરમાં ઓળખ અપાવવાનુ શ્રેય બ્રુસ લીને જ જાય છે. પહેલા તેમના મૃત્યુનુ કારણ પેઇન કિલર્સ જણાવાયુ હતુ, પરંતુ હવે રિસર્ચમાં સાબિત થયુ છે કે વધુ પાણી પીવાથી તેમનુ મૃત્યુ થયુ હતું.
એક દિવસમાં કેટલુ પાણી પીવુ જોઇએ?
પાણી શરીર માટે ખુબ જ જરૂરી છે, પરંતુ વધુ પડતુ પાણી પણ નુકશાન કરી શકે છે. ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. જેના કારણે માથાનો દુખાવો, ચક્કર, મોં સુકાઇ જવુ, લો બ્લડ પ્રેશર, પગમાં સોજો, કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. જો તમે વધુ પડતુ પાણી પીવો છો તો ઓવરહાઇડ્રેશનની સ્થિતિ ઉભી થાય છે અને તેના લીધે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમી, ઉલ્ટી, મસલ્સ ક્રેમ્પ થઇ શકે છે. ડોક્ટર્સ કહે છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે દિવસમાં દરેક વ્યક્તિએ કમસે કમ બે લીટર પાણી પીવુ જોઇએ. મહિલાઓ માટે 2.7 લિટર અને પુરુષો માટે 3.7 લિટર પાણીની જરૂર હોય છે. તેનાથી વધુ પાણી નુકશાન કરી શકે છે.
આ પણ વાંચોઃ શું રાખ્યું દાદી નીતુ સિંહે પૌત્રીનું નામ ?પોસ્ટ કરી જણાવ્યો નામનો અર્થ