દિલ્હી AIIMSની વેબસાઈટ ઉપર સાઈબર એટેક, અનેક વીવીઆઈપીના ડેટા જોખમમાં
દિલ્હીની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ AIIMS ની વેબસાઈટ ઉપર સાઈબર એટેકે થયાનું સામે આવી રહ્યું છે. આ અંગે પ્રશાસન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જેના કારણે AIIMSની તમામ પ્રકારની ઓનલાઈન સુવિધા પ્રભાવિત થઈ છે. જેમાં સ્લિપ બનાવવા, રિપોર્ટિંગ સહિત તમામ પ્રકારની કામગીરી સામેલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં આ દિશામાં કામ ચાલી રહ્યું છે. આઇટી વિભાગ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ કંઇક સ્પષ્ટ કહી શકાશે તો બીજી તરફ મળેલી જાણકારી અનુસાર આજે બુધવારે સવારે 7 વાગ્યાથી દિલ્હી AIIMSનું સર્વર ડાઉન છે. ઓપીડી અને સેમ્પલ કલેક્શન મેન્યુઅલી કરવામાં આવી રહ્યું છે છતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અનેક મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ
સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ અનુસાર, AIIMS પર સાયબર હુમલાખોરો દેશની ઘણી મહત્વપૂર્ણ હસ્તીઓના મેડિકલ રેકોર્ડની માહિતી મેળવી શકે છે. તેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિત અન્ય તમામ મોટા પક્ષોના નેતાઓના નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી AIIMS દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, દેશના ખૂણે-ખૂણેથી લાખો દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. રોજની જેમ આજે પણ મોટી સંખ્યામાં દર્દીઓ AIIMS પહોંચ્યા હતા, પરંતુ સર્વર ફેલ થવાના કારણે તેમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.