નવી દિલ્હીઃ દિલ્હીના સાઉથ વેસ્ટ જિલ્લાના પાલમ વિસ્તારમાં પોલીસને એક ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ એક યુવકે પોતાના જ માતા-પિતા, બહેન અને દાદીની હત્યા કરી નાખી. પોલીસને મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ આ ઘટના અંગે જાણકારી મળી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ચારેયના ચાકૂના ઘા મારીને મોત ઘાટ ઉતારવામાં આવ્યા છે. સાથે એવી પણ માહિતી સામે આવી છે કે આરોપી યુવક ડ્રગ્સનો બંધાણી હતો. અને થોડાં દિવસ પહેલાં જ ડ્રગ્સ એડિક્શન સેન્ટરમાંથી બહાર આવ્યો હતો. પોલીસે આરોપી યુવકની ઓળક પણ કરી લીધી છે. આરોપીનું નામ કેશવ છે, જે 25 વર્ષનો છે. પોલીસે તેની ધરપકડ કરી છે.
આરોપી કેશવે પિતા દિનેશ કુમાર (42 વર્ષ), માતા દર્શના સૈની (40 વર્ષ), બહેન ઉર્વશી (22 વર્ષ) અને દાદી દીવાનોં દેવીની (75 વર્ષ) હત્યા કરી છે.
પૈસા ન આપતા હત્યા કરી
દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડની હાલ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે આ હત્યાકાંડથી દિલ્હીમાં ક્રાઈમરેટ વધી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી કેશવ નશાનો બંધાણી હતો અને ઘરવાળા પાસે પૈસા માગતો હતો. ઘરના લોકો પૈસાનો ઈનકાર કરતા તેને પરિવારના તમામ સભ્યોની હત્યા કરી નાખી છે. પરિવારના લોકો અલગ અલગ ફ્લોર પર રહે છે, ત્યારે આરોપીએ અલગ-અલગ ફ્લોર પર જઈને તમામની હત્યા કરી હતી.
ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપના કારણે પરેશાન હતો આરોપી
આરોપી કેશવ થોડો સમય પહેલાં નોકરી કરતો હતો જે બાદ તે છુટી ગઈ. તેની નશાની કુટેવને કારણે પરિવારના લોકો સાથે વારંવાર ઝઘડો થતો હતો. કેશવ ગાળાગાળી પણ કરતો હતો. રોજ રોજના આ ઝઘડાથી તે કંટાળી ગયો હતો. થોડો સમય પહેલાં તેની ગર્લફ્રેન્ડ સાથે પણ બ્રેકઅપ થયું હતું, જેના કારણે તે પરેશાન હતો. રાત્રે ઘરના તમામ સભ્યો જાગતા હતા જે બાદ તેને આ ઘટનાને અંજામ આપ્યો અને પરિવારના એક પછી એક સભ્યને મારી નાખ્યા.