ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતઃ મહારાષ્ટ્ર પાર્સિગની એક કારમાંથી લાખોની રોકડ મળી આવી, કોંગ્રેસનું પ્રચાર સાહિત્ય પણ ઝડપાયું

Text To Speech

સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાના મતદાનને હવે લગભગ  એક સપ્તાહ જેટલો સમય વધ્યો છે. ત્યારે ચૂંટણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પગલાં ભરવામાં આવ્યા છે. ખાસ કરીને ચૂંટણી સમયે રોકડ કે દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવે છે. ત્યારે સુરતમાં એક કારમાંથી લાખોની રોકડ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SST ટીમે મહારાષ્ટ્ર પાર્સિગની એક કારમાંથી રોકડ સીઝ કરી છે. આ ઉપરાંત કાર પર કોંગ્રેસનું સ્ટીકર માર્યું હોવાનું પણ જાણમાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

75 લાખની રોકડ અને કોંગ્રસનું પ્રચાર સાહિત્ય મળ્યું
સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SSTની ટીમ તૈનાત હતી, ત્યારે એક મહારાષ્ટ્ર પાર્સિગની ઇનોવા કારને રોકી તેની તપાસ કરતાં લગભગ 75 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કારને રોકી તપાસ કરતાં જ કારમાં મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે રૂપિયા 75 લાખની રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાંથી કોંગ્રેસનું પ્રચાર સાહિત્ય પણ મળ્યું છે. કારમાંથી કોંગ્રેસના પેમ્ફલેટ્સ મળી આવ્યા છે. આવામાં પોલીસ દ્વારા રોકડ કોની છે અને કોને આપવાની હતી, તે સહિતના તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ
મહત્વપૂર્ણ છે કે, સુરતમાં આદર્શ આચારસંહિતાના કડકાઈથી અમલ કરવા માટે અનેક ટીમો તૈનાત છે. જેમાં વીડિયો સર્વિલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ બનાવવામાં આવી છે અને શહેરમાં મોટી નાણાકીય રોકડ રકમ અને હેરફેર પર બાજનજર રાખવામાં આવી રહી છે. અત્યારે પોલીસ દ્વારા વિવિધ ચેક પોસ્ટ ઉભી કરી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, રાજ્યની બોર્ડરો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ મોટા રસ્તાઓ હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ પર ચેકપોસ્ટો બનાવવામાં આવી છે. પાડોશી સંઘપ્રદેશો અને રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Back to top button