પાલનપુર : ધાણધા ગામમાં પત્નીની હત્યા કરનારા પતિને દસ વર્ષની કેદ
પાલનપુર : પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના પતિને કામ ધંધો કરવાનું કહેતા રોષે ભરાયેલા તેના પતિએ પત્નીને કુહાડી મારી મોત નિપજાવ્યું હતું. આ અંગેનો કેસ પાલનપુરના ચોથા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટે 10 વર્ષ કેદની સજા ફરમાવી છે. બે વર્ષ અગાઉ બનેલી ઘટનાની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ધાણધા ગામના નયનાબેન મકવાણા અને તેમના પતિ શાંતિલાલ પરિવાર સાથે રહેતા રહે છે.
દેવામાં ડૂબેલા પતિને કામ ધંધો કરવાનું કહેતા કર્યો હતો હુમલો
1 ઓક્ટોબર 2020 ના દિવસે ઘરનું વીજબીલ ભરેલું ના હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ ઘરનું વીજ કનેક્શન કાપી ગયા હતા. જ્યારે શાંતિભાઈ મકવાણાએ પોતાના ઘર ઉપર લોન લીધી હતી. જેના હપતા ચડી જતા બેંકના કર્મચારીઓ પણ તેમના ઉઘરાણી કરતા હતા. જેથી નયના બહેને તેમના પતિ શાંતિભાઈ ને “કાંઈ કામ ધંધો કરતા નથી અને ઘરે કેમ બેસી રહો છો” તેવું કહેતા બંને વચ્ચે ચકમક ઝરી હતી. આ દરમિયાન નયનાબેન ઘરના આંગણામાં કપડાં સંકેલી રહ્યા હતા. ત્યારે બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા શાંતિભાઈએ હાથમાં કુહાડી લઈને નયનાબેનના માથામાં ફટકા માર્યા હતા. આ સમયે માતાને બચાવવા વચ્ચે પડેલી દીકરી દિપાલીને પણ માથામાં કુહાડી વાગી હતી. હુમલા બાદ શાંતિલાલ ત્યાંથી કુહાડી લઈને નાસી ગયા હતા. જ્યારે ઘટનામાં નયનાબેનનું મોત નિપજ્યું હતું. માતાનું મોત થતા કલોલમાં રહેતા તેમના દીકરાએ પિતા શાંતિલાલ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
પાલનપુરના ચોથા એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો
આ અંગે પાલનપુરના એડિશનલ સેશન્સ કોર્ટના સેશન કેસ નંબર 47 / 2022 થી કેસ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ દીપક પુરોહિતે કોર્ટમાં કરેલી દલીલો તેમજ આરોપીનો ડીએનએ રિપોર્ટ, કુહાડી, આરોપીના હાથની ચામડીના મળી આવેલ કોષ, આરોપીના લોહી વાળા કપડા પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમજ સરકારી વકીલે મૌખિક તેમજ લેખિત પુરાવા પણ રજૂ કર્યા હતા. જેને કોર્ટે ધ્યાનમાં લઈને ન્યાયાધીશ આર. આર. દવે એ આ કેસમાં આરોપી શાંતિલાલ લક્ષ્મણભાઈ મકવાણાને આ ગુનામાં દોષિત ઠરાવીને દસ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.
આ પણ વાંચો : શ્રદ્ધા હત્યાકાંડ : આફતાબનો પહેલા નાર્કો નહીં પૉલીગ્રાફ ટેસ્ટ થશે