અમદાવાદઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર પોલીસ સ્પીડ લિમિટ કરતા વધુ સ્પીડ હશે તો દંડનીય કાર્યવાહીની શનિવારથી અમલવારી શરૂ કરશે. ટ્રાફિક જેસીપી મયંક ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, 70થી વધુ સ્પીડે વાહન ચલાવનાર ચાલક પહેલીવાર પકડાશે તો 2 હજાર, બીજીવાર પકડાશે 4 હજાર અને તે પછી પકડાશે તો 6 મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. જો કે, આ અમલવારી કેવી રીતે કરાશે તે હજુ સ્પષ્ટ નથી.
પોલીસનો દાવો છે કે, સીસીટીવીમાં સ્પીડ લિમિટનું સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કેવી રીતે ઓવરસ્પીડિંગવાળા વાહનોને પકડવામાં આવશે તે એક પ્રશ્ન છે. અગાઉ પણ સ્પીડ ગનથી એસજી હાઈવે પર વાહનચાલકોને પકડવાનો પ્રયાસ થયો હતો જે નિષ્ફળ નીવડ્યો હતો.
પોલીસના કહેવા મુજબ હાલ એસજી હાઈવે પર પ્રાયોગિક ધોરણે દંડની અમલવારી શરૂ કરવામાં આવી છે તે પછી શહેરના સંભવિત અકસ્માત ઝોન બની ગયેલા રસ્તાઓ પર પણ આનો અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, દિલ્હી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરેલા રિપોર્ટ મુજબ આ 8 રસ્તાઓ પીક અવર્સ દરમિયાન જોખમી હોય છે. જેમાં એસજી હાઈવે, સરખેજ, જેતલપુર, ઓઢવ, નારોલ અને રામોલનો સમાવેશ થયા છે. રિપોર્ટ મુજબ શહેરમાં થતાં કુલ એક્સિડેન્ટમાંથી 30 ટકા એક્સિડેન્ટ આ રસ્તા પર નોંધાયા છે.
લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં લેવાશે
ઓવરસ્પીડમાં વાહન ચલાવવા અંગેનું પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં જ છે. આ દિશામાં એસજી હાઇવે પર સ્પીડ ગન ઇન્સ્ટોલ કરી દેવાઈ છે. જેને લઈને 70 કિમી પ્રતિ કલાકની ઉપર વાહન ચલાવનારા સામે કાર્યવાહી અથવા લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અમલ કરવામાં આવી રહ્યો છે.