કોરેગાંવ-ભીમા કેસના આરોપી ગૌતમ નવલખા જેલમાંથી છૂટ્યા પણ, રહેશે નજરકેદ
એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસના આરોપી ગૌતમ નવલખા આખરે જેલમાંથી બહાર આવ્યા છે. તેને શનિવારે સાંજે નવી મુંબઈની તલોજા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હવે તે એક મહિના સુધી નજરકેદ રહેશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે નવલખાને તલોજા જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેને નજરકેદમાં રાખવામાં આવે. નવલખાના સ્વાસ્થ્યના કારણોસર કોર્ટે આ રાહત આપી છે. જો કે સુપ્રીમ કોર્ટે અનેક શરતો પણ નક્કી કરી છે.
સુપ્રીમ કોર્ટે તેમની નજરકેદનો વિરોધ કરતી NIAની અરજીને ફગાવી
આજે શનિવારે જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસની એક ટીમ નવલખાને નવી મુંબઈના બેલાપુર-અગ્રોલી વિસ્તારની એક બિલ્ડિંગમાં લઈ ગઈ હતી. નજરકેદના સમયગાળા દરમિયાન તે અહીં જ રહેશે. તળોજા જેલના વરિષ્ઠ અધિકારીએ આ અંગે વધુ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નવલખા સાંજે 6 વાગ્યાની આસપાસ જેલમાંથી બહાર નીકળ્યા હતા. આ પહેલા શુક્રવારે બપોરે સુપ્રીમ કોર્ટે તેમની નજરકેદનો વિરોધ કરતી NIAની અરજીને ફગાવી દીધી હતી. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે ગૌતમ નવલખાને 24 કલાકમાં વિલંબ કર્યા વિના નજરકેદ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
નવલખા સાથે તેના પાર્ટનર પણ રહેશે, પરિવારજનો સાથે કરી શકશે વાત
મળતી માહિતી મુજબ કોર્ટે નવલખાને તેના પાર્ટનર સાહબા હુસૈન સાથે રહેવાની મંજૂરી આપી હતી. નવલખાને પોલીસ અધિકારીઓ દ્વારા મોબાઈલ ફોન આપવામાં આવશે, જેથી તે દરરોજ તેના પરિવાર સાથે પાંચ મિનિટ વાત કરી શકે. આ સમયે પોલીસ અધિકારીઓને ફોન કોલ્સ પર નજર રાખવા અને રેકોર્ડ રાખવા માટે સત્તા આપવામાં આવી છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હૃષિકેશ રોયની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે ખર્ચનો ડ્રાફ્ટ પોલીસ કમિશનરની ઑફિસમાં સબમિટ કરવામાં આવે.
કઈ શરતોનું પણ પાલન કરવું પડશે ?
કોર્ટ દ્વારા તેમને કેટલીક શરતોને આધીન જેલમાંથી બહાર કાઢ્યા છે. જેમકે ગૌતમ નવલખા એક મહિના માટે નવી મુંબઈમાં નજરકેદ રહેશે. કોર્ટે નવલખાને મુંબઈમાં રહેવા માટે 2.4 લાખ રૂપિયા જમા કરાવવા, રૂમની બહાર અને નિવાસસ્થાનના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા સહિતની અનેક શરતો લાદી હતી. આ દરમિયાન તે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઇસ એટલે કે લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરેનો ઉપયોગ કરી શકશે નહીં. આ સિવાય તે ન તો મીડિયા સાથે વાત કરશે અને ન તો કેસ સાથે જોડાયેલા લોકો અને સાક્ષીઓ સાથે વાતચીત કરશે.