પાલનપુર : ડીસામાં અપક્ષ ઉમેદવાર તરીકે લેબજી ઠાકોર ચૂંટણી લડશે
પાલનપુર : ડીસા વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા ઠાકોર સમાજને ભાજપ કે કોંગ્રેસે ટિકિટ ના આપતા ઠાકોર સમાજે પોતાનો અપક્ષ ઉમેદવાર ઉભે રાખવાનું નક્કી કરી સમાજના બે અગ્રણીઓને અપક્ષ તરીકે ફોર્મ ભરાવ્યા હતા.જેમાંથી હવે સમાજમાં સમજૂતી કરી અપક્ષ ઉમેદવાર તરીકે ડીસામાં અગાઉ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે લડી ચૂકેલા અને ડીસા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ લેબજી ઠાકોર ચૂંટણી લડશે.
ભરત ધૂંખે સમર્થન જાહેર કર્યું
ડીસા વિધાનસભા બેઠકમાં 55 હજારથી વધુ મતદાર ધરાવતા ઠાકોર સમાજની ટિકિટ માટે બંને પક્ષો સમક્ષ માંગણી હતી. જોકે ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી એકે પાર્ટી એ ઠાકોર સમાજના વ્યક્તિને ઉમેદવાર બનાવ્યો નથી. જેથી ઠાકોર સમાજે અન્ય સમાજનો ટેકો લઈ વિશાળ સંમેલન યોજી પોતાનો અપક્ષ ઉમેદવાર ઉભું રાખવાનું નક્કી કરી સમાજના બે અગ્રણીઓ જેમાં ડીસા વિધાનસભા બેઠક પર અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા અને ડીસા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ લેબજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના યુવા અગ્રણી જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ અને ડીસા તાલુકા પંચાયતના સદસ્ય ભરતજી ધૂંખ ને ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા.
ત્યારબાદ ઠાકોર સમાજના અગ્રણીઓએ સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમજ સમાજના વડીલો અગ્રણીઓ યુવા કાર્યકરો સાથે બેઠક યોજીતેમજ સોશિયલ મીડિયા ના માધ્યમથી મત જાણી આખરી સમજૂતી બાદ આખરે લેબજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર તરીકે લડાવવાનો નક્કી કર્યું છે. જેથી આજે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર ભરતજી ધુંખે સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી પોતે લેબજી ઠાકોર ને સંપૂર્ણ સમર્થન કરી ઠાકોર સમાજના આદેશને માન્ય રાખી પોતાની ઉમેદવારી પરત ખેંચતા હોવાનું જણાવી સંપૂર્ણ ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજો લેબજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડશે તેવી અપીલ કરી હતી.
અમને અન્યાય થયો છે : લેબજી ઠાકોર
અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમને અન્યાય થયો છે. જોકે તેમને ચૂંટણી કયા મુદ્દે લડાશે તેવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, મુદ્દો એક જ છે બસ અમને અન્યાય થયો છે.
આ પણ વાંચો : સ્થાનિક મુદ્દાનો હલ ન આવતા મત માંગવા પહોંચેલા નેતાઓની બોલતી બંધ થઈ, જુઓ વિડીયો