છેલ્લાં ત્રણ દશકામાં ગુજરાતના મતદારોનો કેવો રહ્યો છે મિજાજ, રાજ્યમાં કયા આધારે થયું મતદાન
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ પાર્ટી રાજકીય ચાલ ચાલી એકબીજાને પછાડવાની એક પણ તક છોડતા નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં ચૂંટણીનો માહલો જામતો જાય છે. ગુજરાતમાં 1લી અને 5 ડિસેમ્બરે મતદાન છે ત્યારે છેલ્લાં ત્રણ દશકામાં રાજ્યમાં કઈ રીતે મતદાન થયું, કયા આધારે ગુજરાતના વોટર્સે મતદાન કર્યું જોઈએ આ અહેવાલમાં…
1985ની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની 1985ની ચૂંટણીમાં કોંગ્રેસ રેકોર્ડબ્રેક જીત નોંધાવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 55.55 ટકા વોટ મળ્યા હતા, અને 149 સીટ પર કબજો કર્યો હતો. આ સંખ્યા આજે પણ કોઈ એક પાર્ટીને મળેલી સૌથી વધુ સીટ છે. 1985ની ચૂંટણીમાં ભાજપને માત્ર 14.96 ટકા જ વોટ મળ્યા હતા. જ્યારે પાર્ટીએ માત્ર 11 સીટથી જ સંતોષ વ્યક્ત કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં JNPને ભાજપથી પણ વધુ 14 સીટ મળી હતી. તો 8 સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.
1990ની વિધાનસભા ચૂંટણી
રાજ્યમાં 1985ની ચૂંટણી બાદ પાંચ વર્ષે એટલે કે 1990માં ચૂંટણી થઈ હતી. આ સમય રામ મંદિર આંદોલનનો અને ભાજપના ઉદયનો સમય હતો. રામ મંદિર આંદોલનને કારણે ગુજરાતમાં ભાજપને ઘણો મોટો ફાયદો મળ્યો હતો. આ ચૂંટણીમાં જનતા દળ અને ભાજપ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા. ભાજપે 143 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી તેમના 67 ઉમેદવાર જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. પાર્ટીને 26.69 ટકા વોટ મળ્યા હતા. જ્યારે જનતા દળના 70 ધારાસભ્યો ચૂંટાયા હતા. જનતા દળનો વોટ શેર 29.36 ટકા હતો.
કોંગ્રેસે 181 બેઠક પર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી તેમના 33 ધારાસભ્યો જ જીતી શક્યા હતા. તો વોટ શેર પણ ઘટીને 30.74 ટકા થઈ ગયો. 1990માં ભાજપ અને જનતા દળે મળીને ગુજરાતમાં સરકાર બનાવી હતી.
1995ની વિધાનસભા ચૂંટણી
વર્ષ 1995માં રામ મંદિરના મુદ્દે જનતા દળ અને ભાજપનું ગઠબંધન તૂટ્યું હતું. પરંતુ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપે 121 સીટ પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી સાથે ગુજરાતમાં બીજી વખત ભાજપની સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 45 સીટથી જ સંતોષ વ્યક્ત કરવો પડ્યો હતો. જ્યારે કે જનતા દળને એક પણ સીટ મળી ન હતી.
1998ની વિધાનસભા ચૂંટણી
વર્ષ 1998માં કેશુભાઈ પટેલની સરકાર પડી ગઈ, જે બાદ રાજ્યમાં માત્ર ત્રણ વર્ષમાં જ ફરી ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 117 બેઠક પર જીત મેળવી હતી. ભાજપના વોટ શેર વધીને 44.82 ટકા થયા હતા. જ્યારે કોંગ્રેસના વોટ શેર ઘટ્યા હતા. 1998ની ચૂંટણીમાં કોંગ્રેસને 53 સીટ મળી હતી. જનતા દળને 4, AIRJPને 4, સમાજવાદી પાર્ટીને 1 સીટ મળી હતી. તો 3 અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.
2001ની વિધાનસભા ચૂંટણી
વર્ષ 2001માં ગુજરાતમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જે બાદ કેશુભાઈ નિષ્ક્રિય થઈ ગયા અને પેટાચૂંટણી હારી ગયા. ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈ પટેલના હાથમાંથી રાજ્યનું નેતૃત્વ લઈને નરેન્દ્ર મોદીના હાથમાં સોંપી દીધું. વર્ષ 2001થી ગુજરાતમાં મોદી યુગની શરૂઆત થઈ.
વર્ષ 2001માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 127 સીટ મળી હતી જ્યારે કોંગ્રેસના 51 ઉમેદવાર જીત્યા હતા. ભાજપે સરકાર બનાવી અને નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
2007ની વિધાનસભા ચૂંટણી
રાજ્યમાં આગામી ચૂંટણી પાંચ વર્ષ પછી, 2007માં થઈ હતી. આ સમયે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી UPA-1 સરકાર હતી. ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવખત ભાજપે જીત મેળવી હતી. 182 સીટમાંથી ભાજપને ફાળે 117 સીટ ગઈ હતી. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક થોડી વધતાં 59 સીટ કબજે કરી હતી. તો NCPને 3 અને JDUને 1 બેઠક મળી હતી.
2012ની વિધાનસભા ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત ચોથી વખત જીત મેળવી હતી. રાજ્યમાં પૂર્ણ બહુમતી આવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને 115 સીટ મળી હતી. તો કોંગ્રેસને 61 સીટ મળી હતી.
2017ની વિધાનસભા ચૂંટણી
વર્ષ 2012માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં જંપલાવ્યું હતું, અને ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર જાહેર થયા હતા. મોદી લહેરમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન દાખવતા નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા.
મોદી દિલ્હી ગયા બાદ તેમની ગેરહાજરીમાં વર્ષ 2017માં પહેલી વખત ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને ઘણી આશા હતી. કેમકે આ વર્ષમાં ભાજપની સત્તા વિરૂદ્ધ લહેર હતી તેમજ હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર આંદોલનની આગ પણ પ્રસરેલી હતી. બીજી તરફ જિજ્ઞેશ મેવાણીનું દલિત આંદોલન અને અલ્પેશ ઠાકોરનું ઓબીસી આંદોલન ભાજપ વિરૂદ્ધ વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યાં હતા.
વિધાનસભા ચૂંટણીમાં જ્યારે પરિણામ આવ્યા તો ભાજપને નુકસાન જરુરથી થયું પરંતુ સરકાર તો ભાજપની જ બની. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 1985 બાદ સૌથી સારું પ્રદર્શન કરતા 77 સીટ પર જીત મેળવી હતી, જ્યારે ભાજપ પણ ત્રણ આંકડામાં બે આંકડામાં પહોંચી ગયું હતું. ભાજપને 99 બેઠક જ મળી હતી. જો કે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા રાજ્યમાં વિજય રુપાણીના નેતૃત્વમાં સરકાર બની હતી.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી
આ ચૂંટણીમાં મતદાન 1 અને 5 ડિસેમ્બર થવાનું છે, જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ આવશે. ત્યારે 8મીએ જ ખબર પડશે કે આ ચૂંટણીમાં ભાજપ ફરી બાજી મારે છે કે 27 વર્ષના સત્તાના વનવાસ બાદ કોંગ્રેસને ગાદી મળે છે. જો કે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ જોર લગાવી રહી છે, ત્યારે શું આપ પણ મોટો ઉલટફેર કરી દિલ્હી-પંજાબની જેમ ગુજરાતની સત્તા પણ કબજે કરે છે. હાલ તો તમામ પક્ષ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવીને મતદાતાઓને પોતાની તરફ ખેંચવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યાં છે.