ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ PM મોદીની મેરેથોન રેલીઓનો આજથી પ્રારંભ, 25 જનસભાઓ સંબોધશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય દળોએ પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે. આ કડીમાં આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ગુજરાત ચૂંટણીને લઈને વડાપ્રધાન રાજ્યભરમાં કુલ 25 રેલીઓ કરશે. વડાપ્રધાનની રેલીઓની યોજના મોટા પાયે કરવામાં આવી છે, જેને લઈને સતત તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી નવેમ્બરે સાંજે વલસાડ-વાપીમાં રોડ શો કરશે અને વલસાડમાં રાત્રિ રોકાણ બાદ રવિવારે સોમનાથ જશે. 20 નવેમ્બરે સૌરાષ્ટ્રની મુલાકાતે જશે જ્યાં તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદ જશે. વડાપ્રધાન આ જગ્યાએ જનસભાઓ સંબોધિત કરશે.
PMની રાજ્યભરમાં કુલ 25 રેલીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વલસાડ જિલ્લામાં રોડ શો યોજાશે અને ત્યારબાદ જાહેરસભાને સંબોધશે. PM નરેન્દ્ર મોદી દમણ કોસ્ટ ગાર્ડના એર સ્ટેશન પર ઉતરશે અને ત્યારબાદ દમણ કોસ્ટગાર્ડથી ડાભોલ ગેટ સુધી રોડ શો કરશે. વડાપ્રધાન મોદીના વાપીના પોશ વિસ્તાર ચલા રોડ પરના રોડ શોની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.રોડ શો બાદ તેઓ હાઇવેથી જૂજવા ગામે પહોંચશે અને જાહેર સભા સંબોધશે.રાત્રી રોકાણ વલસાડ ખાતે કરશે જ્યાં તેઓ જુના કાર્યકર્તાઓ તેમજ તેમના પરિવારોને મળશે. કાર્યકર્તાઓની મિટિંગ લેશે અને વહેલી સવારે સોમનાથ ખાતે જવા રવાના થશે…
ભાજપની ખાસ તૈયારી
PM મોદીના સ્વાગતને લઈને આજે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠને ખાસ તૈયારી કરી છે. વલસાડની પારડી વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર કનુ દેસાઈ આજે થનારા રોડ શોના રુટનું નિરીક્ષણ કર્યું. તો પીએમ મોદીના રોડ શોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. જેમાં 9 એસપી, 17 ડીએસપી, 40 પીઆઈ, 90 પીએસઆઈ સહિત 1500 પોલીસના જવાનો તૈનાત રહેશે.
19થી 24 નવેમ્બર સુધીનો વડાપ્રધાનનો કાર્યક્રમ
19 નવેમ્બરઃ
- વાપીમાં રોડ શો બાદ વલસાડમાં જનસભા સંબોધશે
- રાત્રિ રોકાણ વલસાડમાં કરશે.
20 નવેમ્બરઃ
- સોમનાથ જવા રવાના થશે, જ્યાં સોમનાથ દાદાનું પૂજન કરશે
- રવિવારે સવારે 11 વાગ્યે વેરાવળમાં જનસભા સંબોધશેં
- 12-45 વાગ્યે ધોરાજીમાં જનસભા સંબોધશે.
- 2-30 વાગ્યે અમરેલીમાં રેલી
- 6-15 વાગ્યે બોટાદમાં જનસભા સંબોધશે.
- રાત્રે ગાંધીનગર પરત ફરશે અને ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.
21 નવેમ્બરઃ
- સોમવાર બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગર જશે
- બપોરે 2 વાગ્યે જંબુસર જશે
- બપોરે 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે.
23 નવેમ્બર:
- મહેસાણા અને દાહોદમાં જનસભા સંબોધશે
- વડોદરા અને ભાવનગરમાં જનસભા સંબોધશે
24 નવેમ્બર:
- પાલનપુરમાં જનસભા કરશે
- દહેગામ, માતરમાં જનસભા કરશે
- અમદાવાદમાં જનસભા સંબોધિત કરશે.