પાકિસ્તાન : પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની લોંગ માર્ચને રોકવાની માંગ કરતી અરજી ફગાવાઈ
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની લોંગ માર્ચને રોકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ એક રાજકીય મુદ્દો છે અને તેને રાજકીય રીતે ઉકેલવો જોઈએ. મહત્વનું છે કે, PDM સાંસદ કામરાન મુર્તઝાએ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના લોંગ માર્ચ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જે અંગે ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે આ અરજી પર સુનાવણી કરી હતી. બેન્ચમાં અન્ય બે જજ જસ્ટિસ અતહર મિનાલ્લાહ અને આયશા મલિકનો સમાવેશ થાય છે.
શું કહ્યું હતું ચીફ જસ્ટિસે ?
બંને પક્ષોની વિગતવાર દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસે કહ્યું કે, આ એક રાજકીય સમસ્યા છે. તેને રાજકીય રીતે જ ઉકેલી શકાય છે. આ પછી કોર્ટે સાંસદની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ બંદિયાલે એવી પણ ટિપ્પણી કરી હતી કે દેશની સામે રાજકીય મુદ્દાઓને ઉકેલવા માટે સંસદને મજબૂત બનાવવી જોઈએ. તેમણે અરજદારને કહ્યું, તમે સેનેટર છો, સંસદને મજબૂત કરો. મુખ્ય ન્યાયાધીશે એ પણ સ્પષ્ટ કર્યું કે જો બંધારણીય ઉલ્લંઘનનો સ્પષ્ટ ખતરો હશે તો સર્વોચ્ચ અદાલત હસ્તક્ષેપ કરશે. કોર્ટે કહ્યું કે બંધારણ દરેકને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપે છે, પરંતુ તે કાયદાના દાયરામાં હોવું જોઈએ.