ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

ઈન્ડોનેશિયાએ G-20નું અધ્યક્ષપદ ભારતને સોંપ્યું, પીએમ મોદીએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની વાત

ઇન્ડોનેશિયાએ બુધવારે બાલી સમિટના સમાપનની સાથે જ આગામી એક વર્ષ માટે G20 અધ્યક્ષપદ ભારતને સોંપવામાં આવ્યું છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 અધ્યક્ષપદ સોંપ્યું હતું. ભારત 1 ડિસેમ્બરથી ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ સંભાળશે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે જૂથની અધ્યક્ષતા કરવી એ દરેક ભારતીય નાગરિક માટે ગર્વની વાત છે. આ પ્રસંગે બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમામ દેશોના પ્રયાસોથી, અમે G20 સમિટને વૈશ્વિક કલ્યાણનો મુખ્ય સ્ત્રોત બનાવી શકીએ છીએ. બાલીમાં બે દિવસીય સમિટ અધ્યક્ષપદના ટ્રાન્સફર સાથે સમાપ્ત થઈ. સભ્ય દેશોના નેતાઓ સંયુક્ત ઘોષણાને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે G20 “પરિણામ દસ્તાવેજ” તૈયાર કરવામાં ભારતે “રચનાત્મક” ભૂમિકા ભજવી છે.

G-20 ના ભારતના અધ્યક્ષપદ દરમિયાન “ડેટા ફોર ડેવલપમેન્ટ” પર વિશેષ ભાર મુકાશે: મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે G-20 સમિટમાં કહ્યું હતું કે ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ અમુક લોકો સુધી સીમિત ન હોવું જોઈએ અને જ્યારે તેની પહોંચ ખરેખર સાકાર થાય ત્યારે જ તેનો મહત્તમ લાભ મેળવી શકાય છે. મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોના ભારતના અનુભવે દર્શાવ્યું છે કે જો ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપકપણે સુલભ બનાવવામાં આવે તો તે સામાજિક-આર્થિક પરિવર્તન લાવી શકે છે.

‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ પરના સત્રમાં વડાપ્રધાને કહ્યું કે ‘ડેટા ફોર ડેવલપમેન્ટ’નો ઉપયોગ આગામી વર્ષ માટે ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન મુખ્ય ફોકસ રહેશે. ભારત 1 ડિસેમ્બર, 2022 થી એક વર્ષ માટે G-20 ની અધ્યક્ષતા કરશે. મોદીએ કહ્યું, ડિજીટલ ટેક્નોલોજીમાં અનુકૂલન એ આપણા યુગનું સૌથી નોંધપાત્ર પરિવર્તન છે. ડિજિટલ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ ગરીબી સામે દાયકાઓથી ચાલી રહેલી વૈશ્વિક લડાઈમાં ઘણી મદદરૂપ થઈ શકે છે.

G-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે. G20 વૈશ્વિક આર્થિક સહયોગનું એક પ્રભાવશાળી સંગઠન છે. તે વૈશ્વિક જીડીપીના લગભગ 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો : કોરોના કેસ ઘટતા નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મોટો નિર્ણય, હવે મુસાફરી દરમિયાન માસ્ક ફરજીયાત નહીં

Back to top button