ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રાજકોટ બેઠક પર શું ભાજપ પોતાનું વર્ચસ્વ યથાવત રાખી શકશે?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

વાત કરીએ રાજકોટ જિલ્લાની…. આ જિલ્લામાં વિધાનસભાની 8 સીટ આવે છે. રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ રૂરલ, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી આવે છે.

1) રાજકોટ ઈસ્ટઃ
રાજકોટ ઇસ્ટ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 68મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક રાજકોટ છે.આ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના છ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજી નદીના કાંઠે વસેલું રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું એક મહત્વપૂર્ણ શહેર ગણાય છે, જે રાજ્યનું ચોથું સોથી મોટું શહેર છે.

રાજકીય સમીકરણ
સૌરાષ્ટ્રની રાજનીતિનું એપી સેન્ટર એટલે રાજકોટ. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાંથી એક એટલે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક. નવા સિમાંકન પહેલા આ બેઠક રાજકોટ-1 વિધાનસભા બેઠક હેઠળ આવતી હતી. 1995થી 2007 સુધી આ બેઠક પર ભાજપનો દબદબો હતો. પરંતુ રાજકોટ-1 બેઠક બે ભાગમાં વહેચાયા બાદ રાજકોટ પૂર્વ બેઠકમાં 2012માં કોંગ્રેસના ઇન્દ્રનિલ રાજ્યગુરુનો ભાજપના કશ્યપ શુક્લ સામે વિજય થયો હતો.

એશિયાનું સૌથી મોટું ઈમિટેશન ઘરેણાનું હબ આ જ વિધાનસભા બેઠકમાં આવેલું છે. સાથે જ અહીં અનેક ગૃહ ઉદ્યોગો આવેલા છે. મધ્યવર્ગીય મતદારો ધરાવતા આ વિસ્તારના મતદારોનો મિજાજ અનોખો છો.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: જામનગર બેઠક પર 1985થી ભાજપનો દબદબો છે, આ વખતે આપની એન્ટ્રીથી બરકરાર રહેશે આ સીટ?

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારે આ બેઠક પર કોંગ્રેસે કબજો જમાવ્યો હતો.

2017માં આ બેઠક પર ભાજપના અરવિંદ રૈયાણીનો 22782 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 93087 મત મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

રાજકોટ પૂર્વ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરીએ તો લેઉવા પટેલ, કડવા પટેલ, લઘુમતી, દલિત, કોળી, માલધારી સમાજના લોકો મુખ્ય છે. જેમાં લેઉવા પટેલ 19 ટકા, કોળી 15 ટકા, દલિત 15 ટકા, લઘુમતી 15 ટકા, કડવા પટેલ 5 ટકા અને અન્ય 31 ટકા મતદાતાઓ છે.

2) રાજકોટ વેસ્ટઃ
રાજકોટ વેસ્ટ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 69મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક રાજકોટ છે. આ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના 8 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠક અનોખો ઇતિહાસ ધરાવતી બેઠક છે.

રાજકીય સમીકરણ
1985થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. વજુભાઈ વાળા આ બેઠક પર સાત વખત ચૂંટણી જીત્યા છે. તેમણે 2002માં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે આ બેઠક તેમના માટે ખાલી કરી હતી. રાજકોટ વેસ્ટ વિધાનસભા બેઠક પર સવર્ણ જાતિના મતદાતાઓનું પ્રભુત્વ છે, જેઓ મોટા ભાગે ભાજપના પક્ષમાં જ રહ્યાં છે. અને તેથી આ બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠકમાંથી એક ગણાઈ છે. 1977થી 2015 સુધી આ  બેઠક પરથી ભાજપના ઉમેદવાર જ સત્તામાં આવ્યા છે.

ભારતીય જન સંઘની સ્થાપના બાદની ચૂંટણીમાં પાટીદાર નેતા સ્વ. કેશુભાઈ પટેલ આ બેઠક પર ચૂંટણી જીત્યા હતાં. રાજકોટથી રાજ્યને ત્રણ મુખ્યમંત્રીઓ મળ્યા છે. જેમાં સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીનો સમાવેશ થાય છે.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બોટાદની 2 સીટ પરનું શું છે રાજકીય ગણિત? BJP પોતાની બેઠક જાળવી શકશે?

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 13 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી.2017માં આ બેઠક પર ભાજપના વિજય રુપાણીનો 53755 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 131586 મત મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

રાજકોટ પશ્ચિમ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
રાજકોટ વેસ્ટ પર સૌથી વધુ પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ છે. લગભગ 72 હજાર જેટલાં પાટીદાર મતદાતા છે, જેમાંથી 38 હજાર મતદાતા કડવા પાટીદાર છે. પાટીદાર ઉપરાંત એક આંકડા મુજબ 44 હજાર બ્રાહ્મણ, 30 હજાર વણિક અને 24 હજાર લોહાણા મતદાતાઓ છે. કુલ મળીને રાજકોટ પશ્ચિમ બેઠક પર સવર્ણ મતદાતાઓનું પ્રભુત્વ વધુ છે, જે કોઈ પણ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

3) રાજકોટ સાઉથઃ
રાજકોટ સાઉથ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 70મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક રાજકોટ છે. આ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના 9 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજકીય સમીકરણ
રાજકોટ દક્ષિણને ભાજપનો ગઢ માનવામાં આવે છે. જનસંઘનો દેશમાં ઉદય થયો ત્યારે આ બેઠક પરથી જનસંઘના ઉમેદવાર ચીમનભાઈ શુક્લનો વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીનું મુળ પણ જનસંઘ છે. 1995થી આ બેઠક પર ભાજપનો જ વિજય થતો આવ્યો છે.છેલ્લે 1990માં કોંગ્રેસ નેતા અન રાજ્યના પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા ચુંટાયા હતા, જે બાદ 1998 થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપ વિજેતા થયું આવ્યું છે.

રાજકોટના હાર્દ સમાન ગણાતા આ વિસ્તારની નવી સિમારેખામાં ભૂપેન્દ્ર રોડ, આશાપુરા મંદિર, લક્ષ્મીવાડી હવેલી જેવા વિસ્તારોની સમાવેશ થાય છે, આ વિસ્તારની આજુબાજુના અનેક ઇમિટેશન જ્વેલરી મેન્યુંફેકચરિંગ યુનિટો આવેલા છે, જે એશિયાનું સૌથી મોટું જ્વેલરી હબ માનવામાં આવે છે.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: તાપી જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં શું ભાજપ પરચમ લહેરાવી શકશે ? શું છે રાજકીય સમીકરણ

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી.2012 અને 2017 એમ સતત બે ટર્મમાં ભાજપના ગોવિંદભાઈ પટેલનો વિજય થયો છે. 2017ની ચૂંટણીમાં રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલને 98,951 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના દિનેશ ચોવટીયાને 51,830 મત મળ્યા હતા. આ ઉપરાંત શિવસેનાના ઉમેદવાર નિશાંતભાઈ પટેલને 230, આપના ગીરીશભાઈ મારવીયાને 284 મત જ મળ્યા હતા.

2017માં આ બેઠક પર ગોવિંદભાઈ પટેલનો 47121 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 98951 મત મળ્યા હતા.

2012માં ભાજપના ગોવિંદ પટેલે કોંગ્રેસના મિતુલ ડોંગાને 50 હજારથી વધુ મતના માર્જિનથી હરાવ્યા હતા, જ્યારે 2017માં 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો.

વર્ષ 2007માં ગોવિંદભાઈ પટેલે કોંગ્રેસના જયેશભાઈને હરાવીને શાનદાર જીત મેળવી હતી.

આ બેઠક પર મતદારોની સંખ્યા

રાજકોટ દક્ષિણ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
રાજકોટ દક્ષિણ બેઠક પર જ્ઞાતિગત સમિકરણ પર નજર કરીએ તો, અહી લેઉવા પટેલ અને કોળી પટેલ મતદારોનો દબદબો છે. ત્યારબાદ બ્રાહ્મણ, ભરવાડ, કડિયા અને રાજપુત મતદાતાઓનો નંબર આવે છે. આ વિસ્તારમાં લગભગ 30 ટકા જેટલા લેઉઆ પટેલ મતદારોનો દબદબો રહ્યો છે.

4) રાજકોટ રુરલઃ
રાજકોટ રુરલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 71મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક રાજકોટ છે. આ બેઠકમાં રાજકોટ તાલુકો અને કોટડા સાંગાણી તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજકીય સમીકરણ
રાજકોટ ગ્રામ્ય અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે.વર્ષ 1990માં ભાજપે આ બેઠક પર ખાતુ ખોલ્યું હતું. જોકે 1995મા કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. 1998માં ફરી ભાજપ આ બેઠક જીત્યું અને ત્યારથી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2012માં થયેલી ચૂંટણીમાં

1995માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, જો કે તે બાદ 1998,2002, 2007, 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. 2012ની ચૂંટણીમાં ભાજપના ભાનુબેન બાબરીયાએ 9 હજાર વોટથી કોંગ્રેસના લાખાભાઈને હરાવ્યા હતા. આ પહેલાં 2007માં ભાજપના ભાનુબેને કોંગ્રેસના કાંતાબેનને 41 હજાર મતથી હરાવ્યા હતા.

વાંચોઃ છોટાઉદેપુર બેઠક દરેક સમયે અલ્પવિકસિત રહેતા આ વખતે પરિવર્તન લાવશે!

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
રાજકોટ રૂરલ બેઠક પર વર્ષ 2017માં કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

2017ની ચૂંટણીમાં ભાજપના લાખાભાઈ સાગઠિયાનો કોંગ્રેસના વશરામભાઈ સાગઠિયા સામે 3 હજાર કરતા ઓછી સરસાઈથી વિજય થયો હતો. આ ચૂંટણીમાં લાખાભાઈને 92,114 વોટ મળ્યા હતા. જ્યારે વશરામભાઈને 89,935 વોટ મળ્યા હતા. આ સીટ પરથી 9 અપક્ષ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

રાજકોટ ગ્રામ્ય બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
રાજકોટ ગ્રામ્ય અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે.

5) જસદણઃ  
જસદણ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 72મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક રાજકોટ છે.

રાજકીય સમીકરણ
આ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. આ બેઠક પર કુંવરજી બાવળિયા કોંગ્રેસની ટિકિટ પર 1995થી 2007 અને 2017ની ચૂંટણી જીત્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં આવી ગયા હતા અને પેટા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર વિજયી થયા હતા.

કુંવરજી બાવળિયાના ભાજપમાં જોડાયા બાદ કોળી સમાજે તેમની સામે બાંયો ચડાવી હતી. એક સમય એવો પણ હતો જ્યારે કોળી સમાજમાં બે ફાંટા પડી ગયા હતા. વિરોધ બાદ બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ફરિયાદ એવી છે કે, કોળી સમાજને રાજકીય પ્રભુત્વ નથી મળી રહ્યું.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
જસદણ બેઠક પરથી વર્ષ 2017માં કુલ 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 13 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

ભાજપ માટે આ બેઠક અભેદ કિલ્લા સમાન હતી, પરંતુ 2018ની પેટા ચૂંટણીમાં ભાજપે આ કિલ્લાને ભેદીને વિજય મેળવ્યો હતો.વર્ષ 2009થી 2014 સુધી કુંવરજી બાવળિયા રાજકોટ વિધાનસભા મતવિસ્તારથી સાંસદ રહ્યા. 2017માં ફરી તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા અને 2018માં ભાજપમાં જોડાયા બાદ ફરી લડ્યા અને જીત્યા.

પાર્ટી બદલ્યા બાદ બાવળિયાએ જુલાઈમાં વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ થયેલી પેટાચૂંટણીમાં બાવળિયાએ કોંગ્રેસના અવસર નાકિયાને લગભગ 20 હજાર વોટથી હરાવ્યા હતા. કુંવરજી બાવળિયાને 90,263 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને 70,283 વોટ મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

જસદણ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠક પર મોટા ભાગે કોળી સમાજનો દબદબો જોવા મળ્યો છે. જસદણ સીટ પર જો જાતિની વાત કરીએ તો 70 હજાર કોળી વોટ છે. આ ઉપરાંત લેઉવા પાટીદાર વોટર્સની સંખ્યા 40થી 42 હજાર, કડવા પાટીદાર વોટર્સની સંખ્યા 10 હજાર છે. આ ઉપરાંત ભરવાડ અને રબારી સમાજના વોટર્સની સંખ્યા 12 હજારની આસપાસ છે. ટકાવારીમાં વોટિંગ શેર્સ જોઈએ તો 35 ટકા કોળી, 20 ટકા લેઉવા પટેલ, 10 ટકા દલિત, 7 ટકા મુસ્લિમ, 7 ટકા કડવા પાટીદાર, 8 ટકા ક્ષત્રિય અને 13 ટકા અન્ય વોટર્સ છે.

6) ગોંડલઃ  
ગોંડલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 73મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ વિસ્તારમાં ગુજરાતનું પ્રસિદ્ધ ભુવનેશ્વરી મંદિર આવેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું અક્ષર મંદિર અહીં આવેલું છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ગોંડલમાં આવેલું છે.

ગોંડલનો ઉલ્લેખ આઈન-એ-અકબરી અને સોરઠમાં વાઘેલા રાજ્ય તરીકે મીરાટ-એ-અહમદી જેવા ગ્રંથોમાં છે. કાઠિયાવાડ એજન્સીમાં ગોંડલ રાજ્યની સ્થાપના જાડેજા વંશના ઠાકોર કુંભોજી પ્રથમ મેરામણજી દ્વારા 1634માં કરવામાં આવી હતી,જેમને તેમના પિતા મેરામણજી પાસેથી અરડોઇ અને અન્ય ગામો મળ્યા હતા. કુંભોકીના ચોથા વંશજ કુંભોજીએ ધોરાજી, ઉપલેટા અને સારા જેવા પરગણાઓ હસ્તગત કરીને રાજ્યનું કદ વધાર્યું હતું. સર ભગવંત સિંહજીએ 1888થી 1944 સુધી શાસન કર્યું હતું.

ગોંડલના મહારાજા ભગવતસિંહજીની શિક્ષણપ્રિય અને વિકાસલક્ષી વિચારસરણીને કારણે માત્ર ગોંડલમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમની કીર્તિ ફેલાઈ હતી. કરવેરા સુધારણા, મહિલાઓને ફરજિયાત શિક્ષણ માટે અને તે સમયે પરદાહની પ્રથા બંધ કરવા માટે જાણીતા હતા.

વાંચોઃ પંચમહાલ: 5 બેઠક પર જોરદાર છે કાર્યકરોની બુથ મેનેજમેન્ટની કામગીરી, જાણો કેવી રીતે

રાજકીય સમીકરણ
સૌરાષ્ટ્રના એનક લોકો ગોંડલની ચૂંટણીમાં રસ ધરાવે છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને આ ગોંડલ બેઠકના આગેવાનો અને આ ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ તેની પાછળ જવાબદાર છે. ગોંડલ વિધાનસભાનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. આ બેઠક પરથી 1980માં કેશુભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા.

આ બેઠક પર છેલ્લે 1985માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ત્યારબાદ બે વખત અપક્ષ, ચાર વખત ભાજપ અને એક વખત એનસીપીના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. જો કે વર્ષ 2007ની ચૂંટણીમાં ગોંડલ બેઠક પરથી NCPના ઉમેદવાર ચંદુભાઈ વઘાસિયાએ જીત મેળવી સૌને ચોંકાવ્યા હતા.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
ગોંડલ બેઠક પર વર્ષ 2017માં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

ગોંડલ બેઠક ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સીટ પર હાલ ભાજપનો કબજો છે અને ગીતાબા જાડેજા ધારાસભ્ય છે. ભાજપના ગીતાબા જાડેજાએ કોંગ્રેસના અર્જૂન ખાતરિયાને 15397 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી. ગીતાબા જાડેજાને 70506 મત મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

ગોંડલ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ગોંડલ બેઠક પર લેઉવા પટેલ, કોળી પટેલ, કડવા પટેલ, આહિર, ક્ષત્રિય, માલધારી, દલિત અને લઘુમતી સમાજનો પ્રભાવ છે. અહીં કોળી પટેલ 5 ટકા, લેઉવા પટેલ 40 ટકા, દલિત 10 ટકા, લઘુમતી 10 ટકા, કડવા પટેલ 5 ટકા, ક્ષત્રિય 10 ટકા અને અન્ય 20 ટકા છે.

7) જેતપુરઃ
જેતપુર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 74મા નંબરની બેઠક છે. જેતપુર શહેર સાડી ઉદ્યોગને કારણે દેશ-વિદેશમાં ગુંજી રહ્યું છે. જેતપુર એક એવું શહેર છે જ્યાં ડાઇંગ ઉદ્યોગ સૌથી વધુ છે. 1970-90 જેતપુર સાડી ઉદ્યોગનો સુવર્ણ યુગ માની શકાય. આ ગાળામાં જેતપુર શહેરની સરખામણી દુબઇ સાથે થતી હોવાથી મીની દુબઇ એવું જેતપુરને ઉપનામ મળ્‍યું હતું. આ સમય દરમ્‍યાન સમગ્ર દેશમાં ઔદ્યોગિક શહેર તરીકે જેતપુરનું નામ ગુંજતું હતું.

રાજકીય સમીકરણ
જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં 1990થી ભાજપનો દબદબો રહ્યો છે. જો કે વર્ષ 2012માં જયેશ રાદડિયાએ કોંગ્રેસને ભારે બહુમતી સાથે જીત અપાવી હતી. જેના બે મહિના પછી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પેટાચૂંટણી થઈ, જેમાં ભાજપ તરફથી ચૂંટણી લડેલા જયેશ રાદડિયાની જીત થઈ હતી.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. કોંગ્રેસના જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા સામે ભાજપના જશુમતીબેન કોરાટનો 18033 મતે પરાજય થયો હતો. વિજેતા ઉમેદવાર જયેશ રાદડિયાને 85827 મત અને તેમના નિકટના હરીફ જશુમતિબેનને 67794 મત મળ્યા હતા.

વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાને 98 હજાર 948 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના રવિ અંબાણિયાને 73 હજાર 367 મત મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

જેતપુર બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.

8) ધોરાજીઃ  
ધોરાજી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 75મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ બેઠકમાં ધોરાજી તાલુકો અને ઉપલેટા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ધોરાજીમાં અગત્યના ઉદ્યોગ પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિ-પ્રોસેસ કરીને સુતળી, દોરી, નાડા, બોક્ષ સ્ટેપીંગ પટી, પ્લાસ્ટિક-બેગ અને સિંચાઈ માટેના પાઇપ વગેરેનો છે. જેમાં દરરોજનું આશરે 500 મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે. તેમજ મગફળી તેલ માટે ઓઇલ મિલ તથા સોલ્વન્ટ પ્લાન્ટ, કપાસીયા ખોળના ઓઇલ મિલ તેમજ જીનિંગ ઉધોગ આવેલા છે.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભરૂચ જિલ્લામાં આ વખતે થશે ખરાખરીનો જંગ ? શું છે રાજકીય સમીકરણ

રાજકીય સમીકરણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ધોરાજી બેઠક પણ મહત્વની માનવામાં આવે છે. વર્ષોથી આ બેઠક પર કોંગ્રેસનો કબજો હતો.જો કે આ બેઠક પર કોઇ પાર્ટી નહીં પરંતુ વિઠ્ઠલ રાદડિયાનો દબદબો હતો. તેઓ 1990થી 2012 સુધીની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા. ક્યારેક ભાજપની ટિકિટ પર તો ક્યારેક કોંગ્રેસની ટિકિટ પર પણ વિજેતા ઉમેદવાર હંમેશા વિઠ્ઠલ રાદડિયા રહેતા હતા.

ધોરાજી વિધાનસભા બેઠક પર સૌ પ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 1961થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો અને ત્યાર બાદ વર્ષ 1990થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો.જો કે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા પક્ષ પલટો કરતા વર્ષ 2009માં અહીં ફરીથી પેટાચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસને વિજયી થયો હતો.

વર્ષ 2013ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રવિણ માકડિયા અને કોંગ્રેસ તરફથી હરિભાઈ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા.જેમાં ભાજપના ઉમેદવારે 11,497 મતોની લીડથી વિજય મેળવ્યો હતો. જો કે 2015માં થયેલા પાટીદાર આંદોલનને પગલે ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં હારનુ મોઢું જોવું પડ્યું હતું.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
ધોરાજી બેઠક પર વર્ષ 2017માં કુલ 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 13 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

ગત ચૂંટણીમાં ભાજપ તરફથી હરિભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા મેદાને ઉતર્યા હતા. જેમાં લલિત વસોયાને 25000થી વધુ મતની સરસાઈ મળી હતી અને તે વિજયી બન્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

ધોરાજી બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ધોરાજી બેઠક પર જો જાતિવાદી સમીકરણની વાત કરીએ તો અહીં લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં લેઉવા પટેલ 25%, દલિત 5%, લધુમતી 18%, કડવા પટેલ 23%, આહીર 8%, ક્ષત્રીય 5% અને અન્ય 16% મતદારો છે. એટલે કે આ બેઠક પર પાટીદારોનો મુખ્ય પ્રભાવ છે તેમ કહી શકાય છે.

Back to top button