સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અબુ આઝમીના સંબંધીઓના ઘરે IT ના દરોડા
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અબુ અસીમ આઝમીના નજીકના સહયોગીઓ પર મંગળવારે આવકવેરા વિભાગના વારાણસી યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વારાણસી, કાનપુર ઉપરાંત કોલકાતા, દિલ્હી અને મુંબઈ સહિત 30 સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોને ત્યાં દરોડા પાડ્યા ? કેટલા ટેક્સની ચોરી ?
સૂત્રોએ જણાવ્યું કે અબુ આસીમના નજીકના મિત્રો અને તેમની કંપનીઓના વ્યવહારો પર ઘણા દિવસોથી નજર રાખવામાં આવી રહી હતી. એવું જાણવા મળ્યું હતું કે અબુ આસીમે તેના સહયોગીઓ અને નજીકના મિત્રો દ્વારા શેલ કંપનીઓમાં તેના કાળા નાણાંનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ટીમે વારાણસીમાં દારૂના ધંધાર્થી દિલીપ જયસ્વાલ, કાપડ વેપારી અનીસ, આભા, અબુ આસિમના બિઝનેસ મેનેજર ગણેશ ગુપ્તાની પત્ની અને એસએનકે ગ્રુપના યોગેન્દ્ર કુરેલે, બાંધકામ અને પાન મસાલા ક્ષેત્રે કામ કરતી કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. એક અંદાજ મુજબ આ લોકોએ 100 કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ ચોરી કર્યો છે. ટીમ આ જૂથ સાથે સંકળાયેલા લોકોની કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, લેપટોપ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો રિકવર કરીને તપાસ કરી રહી છે.
અબુ આસીમે રિયલ એસ્ટેટમાં કાળું નાણું ખર્ચ્યું હતું
સૂત્રોએ જણાવ્યું કે અબુ આસીમે નજીકના અનીસ દ્વારા વારાણસીમાં રિયલ એસ્ટેટમાં પોતાનું કાળું નાણું રોકાણ કર્યું છે. અસીમના અન્ય એક સહયોગી ગણેશ ગુપ્તા, જેનું કોરોના દરમિયાન મૃત્યુ થયું હતું, તેણે પરિવારના સભ્યો દ્વારા દિલ્હીમાં રોકાણ કર્યું છે. આ સિવાય 60 શેલ કંપનીઓ વિશે પણ માહિતી મળી છે, જેમાંથી ઘણી કોલકાતામાં છે.