ચૂંટણી 2022 : માવજી દેસાઈ ધાનેરા બેઠક ઉપરથી કરી શકે છે અપક્ષ ઉમેદવારી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પર છેલ્લા કેટલાક સમયથી ડીસા માર્કેટ યાર્ડ માવજીભાઈ દેસાઈ ને ટિકિટ મળશે તેવી શક્યતાઓ અને પગલે માવજીભાઈએ કાર્યકરો સાથે ધાનેરા મત વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી હતી.પરંતુ તેમની ટિકિટ કપાઈ જતા હવે તેઓ અપક્ષ ઉમેદવારી કરી શકે તેવી સંભાવના છે. સોમવારે રાત્રે વાલેર ગામમાં મળેલી સભામાં સમર્થકોએ માવજીભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું જેને પગલે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાની સંભાવનાઓ વધી ગઈ છે.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક ભારે ચર્ચામાં રહી છે. આ બેઠક પરથી 2017 ની ચૂંટણીમાં માવજીભાઈ ૨૦૦૦ મતથી હારી ગયા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમને ભાજપ પક્ષ ટિકિટ આપશે તેવો વિશ્વાસ હતો. પરંતુ ભાજપે તેમની ટિકિટ કાપી હતી. અને તેના બદલે ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન અને કમિટીના સભ્ય ભગવાનભાઈ પટેલને ટિકિટ આપી હતી.
જેને લઈને માવજીભાઈ દેસાઈના સમર્થકો નારાજ થયા હતા. ત્યારે સોમવારે રાત્રે વાલેર ગામમાં એક વિશાળ સભા યોજાઈ હતી. જેમાં માવજીભાઈ ના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમર્થન આપ્યું હતું. જેથી હવે આગામી દિવસોમાં માવજીભાઈ દેસાઇ ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરે તેવી સંભાવના છે. જો તેઓ અપક્ષ ઉમેદવારી કરશે તો આ બેઠક પર ચૂંટણી જંગ ભારે રસપ્રદ બની રહેવાનો છે.
ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની હાજરી
ધાનેરા બેઠક ઉપરથી માવજી ભાઈ દેસાઈ અપક્ષમાં વિધાન સભાની ચૂંટણી લડે તે માટે દરેક સમાજ એક થયેલો જોવા મળ્યો હતો. વાલેરની સભામાં ભારતીય જનતા પાર્ટી સહિત કોંગ્રેસ પક્ષનાં નેતાઓની હાજરી પણ જોવા મળી હતી. અને માવજીભાઈ દેસાઈ અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી સમાજના આગેવાનો માંથી માગ ઉઠી હતી.
આ પણ વાંચો : હવે આ અભિનેત્રીએ પણ લગાવ્યા સાજિદ ખાન પર ગંભીર આરોપો