ચૂંટણી પીચ પર રિવાબાના પ્રચારમાં આવશે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો ?, શું કહ્યું જાડેજાએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આ વખતે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજા પર પસંદગી ઉતારી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ અપાયા બાદ આજે તેમણે ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે રિવાબા સાથે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યા હતા. તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યા હતા.
રિવાબા માટે પ્રચાર કરવા ટીમ ઈન્ડિયાના ક્રિકટરો આવશે ?
પત્ની રિવાબાના ફોર્મ ભરાયા બાદ રવિન્દ્ર જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રિવાબાની રાજકીય કારકિર્દીની આ શરૂઆત છે અને હજુ તેણે ઘણું શીખવાનું છે. હું ઈચ્છું છુ કે તે શીખે અને આશા રાખું છુ કે વધુ આગળ વધે. તે સામાન્ય કાર્યકર છે અને લોકોની સેવા કરવા માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. આ વાતચીત કરતા રવિન્દ્ર જાડેજાને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, રિવાબા જાડેજા માટે પ્રચાર કરવા શું ટીમ ઈન્ડિયાના કોઈ ક્રિકેટર ગુજરાત આવશે ? તો આ સવાલ પર કોઈ પણ ટિપ્પણી કરવાનું કે જવાબ આપવાનું ટાળ્યું હતું.
જામનગર ઉત્તર બેઠક પર નણંદ VS ભાભી
ભાજપે આ વખતે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ આપી એક નવો રાજકીય દાવ ખેલ્યો છે. તો બીજી તરફ જામનગર ઉત્તર બેઠક પરથી કૉંગ્રેસ તરફથી રવિન્દ્ર જાડેજાના બહેન અને રિવાબાના જ નણંદ નયનાબા જાડેજાને મેદાને ઉતાર્યા છે. ત્યારે, જામનગર ઉત્તર બેઠક પર નણંદ અને ભાભી વચ્ચે રાજકીય જંગ હોવાથી હવે રાજકારણ વધુ ગરમાયેલું છે. એક બેઠક પર ભાજપ અને કૉંગ્રેસમાંથી નણંદ તેમજ ભાભી સામ-સામે હોવાથી બન્ને એકબીજાની વિરુદ્ધ પ્રચંડ પ્રચાર કરશે. ત્યારે, આ બેઠક પર કોણ જીતે છે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.