આજે World Diabetes Day, જાણો- ડાયાબિટીસ થવાના અને તેનાથી સાવચેત રહેવાના કારણો
વિશ્વભરમાં ડાયાબિટીસના વધતા જોખમ વિશે લોકોને જાગૃત કરવા અને તેને રોકવા માટે જરૂરી સાવચેતીઓ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ શબ્દ હવે આજની પેઢી માટે નવો નથી. પરંતુ, આજથી બે દાયકા અગાઉ એટલે કે વીસેક વર્ષ પહેલા ડાયાબિટીસ વધતી જતી ઉંમર સાથે થતી સ્વાસ્થ્યને લગતી બિમારી માનવામાં આવતી હતી. આજના સમયની લાઈફ સ્ટાઈલ એવી છે કે છેલ્લા 10 વર્ષથી નાની ઉંમરના લોકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી ગયું છે.
ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો
એક આંકડા મુજબ, યુકેમાં 40 વર્ષથી ઓછી ઉંમરના ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 2016-17માં 1.20 લાખની નજીક હતી, જે 2020-21માં 23 ટકા વધીને 1.48 લાખ કરતાં વધુ થઈ ગઈ છે. ભારતમાં પણ આવા જ આંકડા જોવા મળી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હાલમાં, ડાયાબિટીસના દર ચાર નવા દર્દીઓમાંથી એક 40 વર્ષથી ઓછી ઉંમરનો દર્દી છે.
ડાયાબિટીસનું જોખમ વધવાના કારણો
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, બિનઆરોગ્યપ્રદ આહાર, સ્થૂળતા અને બેઠાડુ જીવનશૈલી વગેરેને કારણે યુવાનોમાં આ જોખમ વધી રહ્યું છે. ડાયાબિટીસ ઘણા પ્રકારની સમસ્યાનું કારણ બની શકે છે, તેથી દરેક વ્યક્તિએ રોગ નિવારક પગલાં લેતા રહેવું જરૂરી છે. નાની ઉંમરે ડાયાબિટીસની સ્થિતિ જીવનની ગુણવત્તાને અસર કરી શકે છે, તેથી તેના જોખમી પરિબળો વિશે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.
ડાયાબિટોલોજિસ્ટ્ના કહેવા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે બાળકો, કિશોરો અને 30 વર્ષની વયના લોકો વધુને વધુ ડાયાબિટીસનો શિકાર બની રહ્યાં છે, જ્યારે કેટલાક દાયકાઓ પહેલાં સુધી આ વય જૂથના લોકો સુરક્ષિત માનવામાં આવતાં હતાં. પરંતુ બેઠાડુ જીવનશૈલી આનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ સમસ્યા ઘણા બાળકોમાં પણ જોવા મળી છે. વધુ પડતી તાણ, સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોના કાર્યને અસર કરતા ઘણા હોર્મોન્સને અસર કરે છે. જેના કારણે તાણ અનુભવનાર ડાયાબિટીસના શિકાર બને છે.
સ્થૂળતાને કારણે ડાયાબિટીસની સમસ્યા
તબીબોનું કહેવું છે કે, નાની ઉંમરે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ મેદસ્વિતા પણ ગણી શકાય. બિનઆરોગ્યપ્રદ આહારની આદતો, ખાસ કરીને જંક ફૂડ, ઉચ્ચ કેલરીવાળા ખોરાકનું વધુ સેવન, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક સ્થૂળતા અને ડાયાબિટીસ બંનેનું જોખમ વધારે છે. જે લોકોનું વજન વધારે છે તેઓને મેટાબોલિક સમસ્યાઓનું જોખમ વધારે હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે, જે શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદન અને કાર્યક્ષમતાને અસર કરી શકે છે. ડાયાબિટીસથી બચવા માટે વજનને કંટ્રોલમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તણાવપૂર્ણ પરિસ્થિતિ હાનિકારક
યુવાનોમાં તણાવની સમસ્યા ખૂબ જ ઝડપથી વધતી જોવા મળી છે, ખાસ કરીને કોરોના રોગચાળા પછી, તેના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. તબીબી સંશોધન દ્વારા શોધી કાઢ્યું છે કે જે લોકો વધુ તાણ હેઠળ છે તેઓને સમય જતાં ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે. તણાવ ડાયાબિટીસનું સીધું કારણ નથી, પરંતુ કેટલાક પુરાવા છે કે તણાવ અને ટાઈપ- 2 ડાયાબિટીસના જોખમ વચ્ચે સંબંધ હોઈ શકે છે.
એક જગ્યાએ બેસી રહેવાની ટેવ
ડૉક્ટરોના કહેવા મુજબ- જે લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહે છે તેમને શારીરિક નિષ્ક્રિયતાનું જોખમ વધારે હોય છે, આ સ્થિતિ ડાયાબિટીસ તરફ દોરી શકે છે. શરીરને સક્રિય રાખીને આ ખતરો ઘટાડી શકાય છે. દિનચર્યામાં યોગ-વ્યાયામ, રનિંગ-વોકિંગ જેવી આદતોનો સમાવેશ કરીને શરીરને સક્રિય રાખી શકાય છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ ઘણું ઓછું થાય છે.ો