T20 વર્લ્ડ કપ : વરસાદી વિઘ્નની શકયતા વચ્ચે જો ફાઈનલ ન રમાઈ તો કોણ ગણાશે વિજેતા ?
આવતીકાલે T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે, પરંતુ વરસાદ ફરી એકવાર આ ટૂર્નામેન્ટમાં અડચણ બની શકે છે. આ ટુર્નામેન્ટમાં વરસાદને કારણે ઘણી મેચો રદ કરવામાં આવી હતી અને ઘણી મેચોનો નિર્ણય ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ લેવો પડ્યો હતો. હવે ફાઈનલ મેચમાં પણ વરસાદ અવરોધ બની શકે છે. જો કે આઈસીસીએ તેના માટે તૈયારી કરી લીધી હતી અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે, પરંતુ રિઝર્વ ડે પર વરસાદની શક્યતાઓ પણ ઘણી વધારે છે.
આ રીતે નક્કી કરાશે વિજેતા
આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ કાલે 13 નવેમ્બરે મેલબોર્નના મેદાન પર રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. જો કે, આ દિવસે મેલબોર્નમાં વરસાદની 95 ટકા સંભાવના છે. આવી સ્થિતિમાં, જો આ મેચ સમયસર શરૂ થાય તો પણ વરસાદને ખલેલ પહોંચાડવી લગભગ નિશ્ચિત છે. જો મેચનું પરિણામ રવિવારે નહીં આવે તો બાકીની ઓવરો સોમવારે કરવામાં આવશે. જો કે સોમવારે પણ વરસાદની 95 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં જ્યારે બીજા દિવસની રમત ધોવાઈ જશે ત્યારે બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આ સ્થિતિમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો સંયુક્ત વિજેતા બનશે. T20 વર્લ્ડ કપમાં આ પહેલા ક્યારેય સંયુક્ત વિજેતા નથી બન્યા.
ICCએ ફાઈનલ માટેના નિયમોમાં ફેરફાર કર્યો
ICCએ ફાઈનલ મેચ માટે વરસાદ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. અંતિમ મેચનું પરિણામ નક્કી કરવા માટે બંને દાવમાં ઓછામાં ઓછી 10 ઓવરની જરૂર પડે છે, જ્યારે સામાન્ય મેચોમાં વરસાદના કિસ્સામાં એક ઇનિંગમાં ઓછામાં ઓછી પાંચ ઓવરની જરૂર હોય છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આઈસીસીએ એ પણ નિર્ણય લીધો છે કે જો પહેલા દિવસે મેચ પૂર્ણ નહીં થાય તો બીજા દિવસની રમત ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે.
બંને ટીમ બીજી વખત ચેમ્પિયન બનવા માંગશે
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે ICC T20 વર્લ્ડ કપનો ખિતાબ એક-એક વખત જીત્યો છે. અહીં જે ટીમ ચેમ્પિયન બનશે તે બીજી વખત આ ટાઈટલ જીતશે. વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. કેરેબિયન ટીમે 2012 અને 2016માં આ ટુર્નામેન્ટ જીતી હતી. પાકિસ્તાનની ટીમ 2009માં T20 વર્લ્ડકપ અને 2010માં ઈંગ્લેન્ડ જીતી ચૂકી છે.