હરભજને ટી20માં કોચ બદલવાની આપી સલાહ, રાહુલ દ્રવિડની જગ્યાએ જાણો કોનું નામ સૂચવ્યું?
ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા ટીકાકારોના નિશાના પર છે. ક્રિકેટ નિષ્ણાતો રોહિતને સુકાનીપદેથી હટાવવાની માંગ કરી રહ્યા છે. કેપ્ટન બાદ હવે લોકો કોચ રાહુલ દ્રવિડને પણ હટાવવાની વાત કરવા લાગ્યા છે. ભારતના પૂર્વ સ્પિનર હરભજન સિંહે કહ્યું છે કે, ટી20 ટીમમાં કેપ્ટનની સાથે કોચમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.
ગયા વર્ષે આ જ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકી ન હતી. જે બાદ કોચ રવિ શાસ્ત્રી પોતાના પદ પરથી હટી ગયા હતા. તેમની મુદત પૂરી થઈ ગઈ હતી. શાસ્ત્રી ફરીથી આ પદ માટે પોતાનો દાવો રજૂ કરી શક્યા હોત, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેમની વિદાય બાદ તત્કાલીન નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા રાહુલ દ્રવિડને કોચ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. દ્રવિડ અગાઉ અંડર-19 અને ઈન્ડિયા-A ટીમોને કોચિંગ આપી ચૂક્યા છે. કોચની સાથે ટીમને નવો કેપ્ટન પણ મળ્યો છે. વિરાટ કોહલીની વિદાય બાદ રોહિત શર્મા ટીમનો કેપ્ટન બન્યો હતો.
નવી જોડી કમાલ કરી શકી નહિ
કોચ અને કેપ્ટનની નવી જોડી સાથે, ટીમને આ વર્ષે T20 વર્લ્ડ કપમાં સફળતાની અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તેની ભારતની યોજનાઓ અને રમવાની રીતો પર સવાલો થવા લાગ્યા. હરભજન સિંહે T20 સેટઅપમાં ફેરફારની માંગ કરી છે. તેણે કહ્યું છે કે, રાહુલ દ્રવિડને બદલે ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા જેઓ ટી-20 ક્રિકેટ સારી રીતે જાણે છે તેમને આ જવાબદારી સોંપવામાં આવે.
હરભજન કોચની સાથે કેપ્ટન બદલવાના પક્ષમાં
બે વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હરભજને કહ્યું કે ભારતને ફોર્મેટને સમજતા કોચની જરૂર છે. આ માટે કોઈ એવું હોવું જોઈએ જેણે તાજેતરમાં સંન્યાસ લીધો હોય. હરભજને કહ્યું, “હું દ્રવિડનું ઘણું સન્માન કરું છું. હું તેમની સાથે રમ્યો છું. રાહુલ દ્રવિડના સ્થાને આશિષ નેહરા જેવા કોઈને લેવા જોઈએ, જેણે તાજેતરમાં ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આશિષ નેહરા મારા પ્રિય કોચ હશે. આશિષ નેહરાના કોચિંગ હેઠળ ગુજરાત ટાઇટન્સ ટીમે પહેલા જ પ્રયાસમાં IPL જીતી હતી. ત્યારબાદ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો. હરભજને તેની કેપ્ટનશીપની પસંદગી પણ જાહેર કરી. તેણે કહ્યું, ‘હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ માટે મારી પસંદગી છે. તેમનાથી સારો કોઈ વિકલ્પ નથી. તે ટીમનો શ્રેષ્ઠ ખેલાડી છે.
આ પણ વાંચો : અગાઉ ભાજપના નેતા એવું કહેતાં હતા ફોન આવ્યો અને આજે નામ કપાઈ ગયું, જાણો શું છે રસપ્રદ કિસ્સો
હાર્દિક ન્યુઝીલેન્ડમાં કેપ્ટનશીપ કરશે
ટી20 વર્લ્ડ કપમાં હાર બાદ ટીમને ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી20 અને ત્રણ વનડે સીરીઝ રમવાની છે. T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ ઘણા અનુભવી ખેલાડીઓ આ સિરીઝમાં રમતા જોવા મળશે. તેમને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા T20 અને શિખર ધવન વનડે ટીમનું નેતૃત્વ કરશે. હાર્દિક અગાઉ આયર્લેન્ડમાં ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. તેમની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સની ટીમ તેની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી.