સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરે શરૂ થવાની શક્યતા, જુની બિલ્ડીંગમાં જ થશે કામગીરી
સંસદના શિયાળુ સત્રને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થવાની શક્યતા છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 29 ડિસેમ્બર સુધી ચાલુ રહી શકે છે. આ દરમ્યાન શું કાર્યવાહી કરવામાં આવશે તેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જુના બિલ્ડીંગમાં જ યોજાશે શિયાળુ સત્ર
મળતી માહિતી મુજબ સંસદનું શિયાળુ સત્ર જૂની ઇમારતમાં શરૂ થશે. તારીખો પર અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવશે. જૂના સંસદ બિલ્ડીંગમાં સત્ર યોજાય તેવી શક્યતા છે. અંદાજિત રૂ.1200 કરોડના ખર્ચે બની રહેલા નવા બિલ્ડીંગનું પ્રતીકાત્મક ઉદ્ઘાટન આ મહિનાના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં થવાની શક્યતા છે. સામાન્ય રીતે શિયાળુ સત્ર નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે. સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો થાય છે. જોકે, 2017 અને 2018માં સત્ર ડિસેમ્બરમાં યોજાયું હતું. સૂત્રોનું માનીએ તો આ વખતે સત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોમાં 8 ડિસેમ્બરે મતગણતરી થશે. સરકાર શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા નવી ઇમારતનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખતી હતી, પરંતુ કેટલાક બાંધકામના કામ સમય કરતાં આગળ વધી શકે છે.