સૌરાષ્ટ્ર્રમાં 3 બેઠકો પર પેચ ફસાયો
ભાજપે આજે તેના 182 માંથી 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે પરંતુ રાજકોટ જિલ્લામાં એકમાત્ર ધોરાજી – ઉપલેટા બેઠક પર ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. આ બેઠક પર ભાજપની ટિકિટ માટે પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્રભાઈ પાડેલીયા જેવા અનેક પ્રબળ દાવેદારો હોવા છતાં ભાજપે શા માટે નામ જાહેર કયુ નથી ? તેવી ચર્ચા આજે પ્રથમ લિસ્ટ જાહેર થતાની સાથે જ શરૂ થઈ ગઈ છે.
ધોરાજી – ઉપલેટામાં કોંગ્રેસના વસોયા ધારાસભ્ય
ધોરાજી ઉપલેટાની આ બેઠક પર કોંગ્રેસના લલીતભાઈ વસોયા ધારાસભ્ય છે. તેમના વાણી અને વર્તન ભાજપ તરફી હોવાના સંકેતો નજીકના ભૂતકાળમાં એકથી વધુ વખત મળી ચૂકયા છે અને આવી દરેક વિવાદાસ્પદ ઘટનાઓ વખતે ‘હું તો કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છૂ’ તેવી વાત લલિતભાઈ વસોયા કરે છે. પરંતુ કોંગ્રેસે પણ રાજકીય કૂનેહ વાપરીને ધારાસભ્ય લલિત વસોયાને ઉમેદવાર તરીકે હજુ સુધી જાહેર કર્યા નથી. જો કે કોંગ્રેસે આ વખતે પોતાની રણનીતિ બદલી છે અને વર્તમાન જે ધારાસભ્યને રીપીટ કરવાના થયા છે તે તમામને વ્યકિતગત જાણ કરી છે અને લિસ્ટ જાહેર કરવાનું ટાળ્યું છે.
કોંગ્રેસનું વલણ ‘તેલ જુઓ અને તેલની ધાર જુઓ’ જેવું
ભાજપ છેલ્લી ઘડીએ આ બેઠક પર મોટો ખેલ પાડવાના મૂડમાં હોવાનું રાજકારણમાં બોલાઈ રહ્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસ પણ પોતાની આબરૂનું ધોવાણ ન થાય તે માટે ‘તેલ જુઓ અને તેલની ધાર જુઓ’ જેવું વલણ દાખવી રહી છે. છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. તે જોતા હવે કોંગ્રેસ વધુ સાવધ બની ગઈ છે અને કોઈ જોખમ લેવા માગતી નથી. ધોરાજીના ઉમેદવારો જાહેર કરવા માટે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સોમવાર સુધી જ ફોર્મ સ્વીકારવામાં આવશે અને આ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પ્લાન બી પણ તૈયાર રાખ્યો હોવાનું બોલાઈ રહ્યું છે.
જામખંભાળિયાની બેઠકનું સસ્પેન્સ વધુ ઘેરૂ બન્યું
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની રસાકસીભરી બની રહેનારી ચૂંટણી માટે ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે અને તેમાં જામનગર તથા દેવભૂમિ દ્રારકા બે જિલ્લાના એટલે કે હાલારના છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, એક માત્ર ૮૧ – ખંભાળિયા વિધાનસભા બેઠાકના ઉમેદવારનું નામ જાહેર નહીં કરીને સસ્પેન્સ વધુ ઘેરૂ બનાવ્યું છે. અત્રે નોંધનિય છે કે, આ બેઠક પર ભાજપ દ્રારા સાંસદ પૂનમબેન માડમને મેદાનમાં ઊતારવા માટે રણનીતિ ઘડી હોવાની ચર્ચા ઘણાં સમયથી ચાલી રહી છે અને જો આવું થાય તો ખરાખરીનો જંગ થવાની શકયતા જોવામાં આવતી હતી. આવા પ્રવાહી વાતાવરણ વચ્ચે આજે જયારે ભાજપે આ જ બેઠકના ઉમેદવારનું નામ બાકી રાખ્યું હોવાથી ઉત્તેજના બેવડાઈ ગઈ છે.
સાંસદ ભત્રીજી પૂનમબેનને ખંભાળિયાથી ઉતારશે ?
ખંભાળિયાની બેઠકનો ઈતિહાસ રોચક રહ્યો છે, જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે આ બેઠક પર ભાજપનું જબરદસ્ત વર્ચસ્વ રહ્યું હતું અને વર્ષો સુધી બેઠક ભાજપ પાસે રહ્યાં બાદ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અને રાજકારણના જામનગરના ચાણકય મનાતા વિક્રમ માડમને કોંગીએ મેદાનમાં ઊતાર્યા હતાં આ દાવ સફળ રહ્યો હતો અને વિક્રમ માડમ ચૂંટાઈ આવ્યા હતાં. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જામનગર જિલ્લામાં મોટા ભાગની બેઠકો અંકે કરવાના ઈરાદા સાથે એક એવી રણનીતિ પણ ઘડી હોવાનું માનવામાં આવતું હતું કે, લોકસભાની ચૂંટણીમાં વિક્રમ માડમને પરાજિત કરનારા એમના ભત્રીજી સાંસદ પૂનમબેન માડમને કદાચ ભાજપ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મેદાનમાં ઊતારી શકે છે. જો કે, આ વાતને સત્તાવાર રીતે કયાંયથી સમર્થન મળતું ન હતું પરંતુ આજે જયારે ભાજપે પોતાની પ્રથમ યાદીમાં હાલારની સાત બેઠક પૈકી છ બેઠકના ઉમેદવારના નામ જાહેર કરી દીધાં અને માત્ર ખંભાળિયાની બેઠકના ઉમેદવારનું નામ બાકી રાખ્યું હોવાથી ઉપરોકત શકયતાઓને બળ મળતું દેખાય છે.
ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તા.૧૪
ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તા.૧૪ છે, બની શકે કે ભાજપ પોતાની આખરી યાદી એટલે કે હુકમનું પાનું ૧૩મી રાત્રે અથવા ૧૪મી વહેલી સવારે ઊતરી શકે છે અને આ બીજી યાદીમાં ખંભાળિયાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી કોના નામની જાહેરાત કરે છે? તેના પર બેઠકનું આખું ભવિષ્ય નિર્ધારિત થશે.એક એવી વાત પણ જોરશોરથી ઉઠી હતી કે, જો ભાજપ ખંભાળિયાની બેઠક પર સાંસદ પૂનમબેન માડમને મેદાનમાં ઊતારશે તો બની શકે કે વિક્રમભાઈ માડમ પોતાની બેઠક બદલીને ૭૬ જામનગર (ગ્રામ્ય) અથવા અન્ય કોઈ બેઠક ઉપર પણ જઈ શકે છે. કારણ કે, કોંગ્રેસ તરફથી હજુ સુધી પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી નથી અને કોંગ્રેસને ભાજપની યાદીનો ઈન્તઝાર હશે એવું સ્પષ્ટ થાય છે.
માડમ હારે તો જિલ્લામાંથી કૉંગ્રેસનો સફાયો થાય
જામનગર જિલ્લા ખાતે વિક્રમ માડમ કોંગ્રેસનું સૌથી મોટું નામ છે અને વિક્રમ માડમને જો પરાજિત કરી દેવામાં આવે તો જામનગરમાં કોંગ્રેસનો સફાયો થઈ જાય, આવી ગણતરી કદાચ ભારતીય જનતા પાર્ટીની હોઈ શકે આથી એમને પરાજિત કરવા ભાજપ હાલારના પોતાના સૌથી મોટા ચહેરા પૂનમબેન માડમને વિધાનસભાની ચૂંટણીમાં લડવા માટે ઊતારી શકે છે. અગાઉ એ બાબતની પણ ચર્ચા થઈ હતી કે, શું ભાજપ લોકસભા જેવી બેઠક પર પેટા ચૂંટણી ઈચ્છશે? તેનો હાલ જવાબ એ મળે છે કે ભાજપે વર્તમાન સંજોગોમાં ગુજરાતમાં સૌથી વધુ સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે અને ખાસ કરીને જામનગરને ‘કોંગ્રેસ મુકત’ કરવાની રણનીતિ બનાવી છે.
ભાવનગર પૂર્વની બેઠક પર ધારાસભ્ય સામે થયેલા વિરોધથી મોવડી મંડળ ગડમથલમાં
ભાવનગરની સાત વિધાનસભા બેઠક પૈકી છ બેઠક પર ભાજપ દ્રારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાવનગર પૂર્વની બેઠક માટે હજુ ભાજપના મોવડી મંડળમાં લાંબી ગડમથલ ચાલી રહી છે, કારણ કે, ગત વિધાનસભાની ચૂંટણીથી જ ચૂંટાયેલા મહિલા ધારાસભ્ય સામે પ્રબળ રોષ અને વિરોધ ભભૂકતો રહ્યો હતો, જે સંપૂર્ણ ટર્મ દરમિયાન યથાવત રહેતા ભાજપના નિરીક્ષકોની ટીમ સમક્ષ પણ ભાજપનાં જ હોદ્દેદારો અને નાનામાં નાના કાર્યકર્તા દ્રારા મહિલા ધારાસભ્ય સામે વિરોધ નોંધાવી આ ચૂંટણીમાં આ મહિલા ઉમેદવારને ટીકીટ ન આપવાની ઉગ્ર તેમજ ભારપૂર્વકની રજૂઆતો કરવામાં આવી હતી. એક તબક્કે તો કેટલાક ખાસ અગ્રણીઓએ નિરીક્ષકોને સાફ શબ્દોમાં જણાવી દીધુ હતું કે, નવા સહિતના અન્ય કોઈપણ ઉમેદવાર ચાલશે પણ હવે મહિલા ધારાસભ્ય તો નહીં જ. આમ, વર્તમાન મહિલા ધારાસભ્ય વિરૂદ્ધ ભાજપનાં જ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનાં વિરોધ અને પ્રબળ રોષનો પડઘો પાર્લામેન્ટ બોર્ડની બેઠકમાં પણ પડઘાયો હતો. જેને લઈ મોવડી મંડળ ભાવનગર પૂર્વની બેઠક માટેના ઉમેદવારની પસંદગી માટે ભારે ગડમથલ અનુભવી રહ્યુ છે.