ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ગુજરાત ચુંટણી 2022 : બનાસકાંઠા ભાજપના 9 બેઠકના ઉમેદવાર જાહેર

  • બ્રાહ્મણ ડીસામાંથી કાપી પાલનપુરમાં ટિકિટ આપી
  • યુવા ચહેરાઓને ભાજપે તક આપી

પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત ગુરુવાર (10 નવેમ્બર’22)થી શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં સામાજિક સમીકરણો મુજબ જોઈએ તો બે ચૌધરી, બે ઠાકોર, એક માળી, એક બ્રાહ્મણ, એક દરબાર, એક આદિવાસી અને એક દલિત ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે મહત્વની બાબત એ છે કે, ડીસા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની ટિકિટ કાપીને અહીંના ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળીને આપવામાં આવી છે. જ્યારે વાવ બેઠક ઉપરથી શંકરભાઈ ચૌધરી ના નામની ચર્ચા હતી પરંતુ તેમણે આ બેઠક બદલી અને થરાદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બેઠક મુજબ ઉમેદવારો જોઈએ તો…

વાવ : વાવ બેઠક પર વાવ તાલુકાના ગામના સ્વરૂપજી સરદારજી ઠાકોરને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જેઓ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ હોય અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાય છે. આ બેઠક પરથી શંકરભાઈ ચૌધરી થરાદની બેઠક પર ખસ્યા છે. જ્યારે ઠાકોર સામે ઠાકોરને આ બેઠક ફાળવી છે. અહીંયા ઠાકોર મતદારો વધુ હોવાથી મતદારોનું વિભાજન થાય તેને કદાચ ધ્યાનમાં રાખીને આ ટિકિટ ફાળવવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ બેઠક ઉપર સ્વરૂપજી ઠાકોરની પસંદગી થતાની સાથે જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

અહીંયા રાજપુત સમાજ વિકાસ મંડળના પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે જણાવ્યું છે કે, જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે તેનો વાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજ સખત વિરોધ કરે છે. આ બેઠકો ઉપર ઉમેદવારનો ફેરફાર નહીં કરાય તો વાવ વિધાનસભામાં આવતા વાવ, સુઈગામનો રાજપૂત સમાજ વિરોધ કરી બહિષ્કાર કરશે. રાજપુત સમાજને ઠાકોર સમાજ કે અન્ય કોઈ સમાજ સામે વિરોધ નથી પરંતુ ઉમેદવારનો વ્યક્તિગત વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતું. આમ વાવમાં ઉમેદવારની પસંદગી સામે પ્રારંભે જ વિરોધ શરૂ થઈ જવા પામ્યો છે.

થરાદ : થરાદ બેઠક ઉપર ભાજપ પક્ષ દ્વારા પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને ટિકિટ આપી છે. જેવો ગત ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. આ વખતે તેમણે વાવ બેઠક છોડી દીધી છે. અને થરાદની બેઠક પર તેઓ ઉમેદવારી કરશે. અહીંના સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે પણ થરાદ બેઠક માટે દાવેદારી કરી હતી પરંતુ તેમને ટિકિટ ફાળવવામાં આવી ન હતી.

ધાનેરા : ધાનેરા બેઠક માટે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ પણ દાવેદાર હતા. જેઓએ ચૂંટણી પહેલા જ ધાનેરામાં પોતાનો પડાવ નાખ્યો હતો. તેમને ટિકિટ મળવાનો વિશ્વાસ હતો પરંતુ અહીંયા સહકારી અગ્રણી અને ધાનેરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન તેમજ વર્તમાન સદસ્ય ભગવાનભાઈ હાજાભાઈ પટેલ ઉપર ભાજપ પક્ષ દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, માવજીભાઈ દેસાઈ સામે રાજસ્થાનમાં થોડા સમયે પહેલા જ ઠગાઈની એક ફરિયાદ નોંધાઈ હતી. માવજીભાઈ ગત ચૂંટણીમાં નથાભાઈ પટેલ સામે 2000 જેટલા વોટથી પરાજિત થયા હતા.

BJP announced the list of candidates

દાંતા : દાંતા બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર હેમરાજ રાણા અને માધુ રાણા જેવા દિગ્ગજો પ્રબળ દાવેદાર હતા. ત્યારે લાધુભાઈ પારઘી એ થોડા સમય પહેલા યોજાયેલા એક સમારોહમાં સ્થાનિક આદિવાસી ઉમેદવારની માગણી જાહેરમાં સ્ટેજ ઉપરથી કરી હતી. ત્યારે આ બેઠક પર ભાજપે જ તેમને ઉમેદવાર જાહેર કરી દીધા છે.

પાલનપુર : પાલનપુર બેઠક ઉપર ગત ચૂંટણીમાં પ્રજાપતિને ટિકિટ ફાળવવામાં આવી હતી. આ વખતે બ્રાહ્મણને ટિકિટ ફાળવવામાં આવી છે. અહીંયા યુવા નેતા અનિકેત ઠાકરને ઉમેદવાર જાહેર કરાયા છે. જેઓ ગીરીશભાઈ ઠાકરના પુત્ર છે. ગીરીશભાઈ ઠાકરનું નામ દરેક વર્ગમાં ‘ગુરુ’ ના હુલામણા નામથી સન્માનપૂર્વક લેવાય છે. અનિકેત ઠાકર બિન વિવાદાસ્પદ, સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતા છે. અનિકેત ઠાકરની પસંદગીથી પાલનપુર ભાજપમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

વડગામ : વડગામ બેઠક પર અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા મણિલાલ વાઘેલાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. મણિલાલ વાઘેલા થોડા સમય પહેલા જ કોંગ્રેસને રામરામ કરી ભાજપ પક્ષમાં જોડાયા હતા. તેઓ સાબરકાંઠા જિલ્લાના છે. પરંતુ આ વિસ્તારથી તેઓ પરિચિત છે. વડગામ મત વિસ્તારમાં મુસ્લિમ અને દલિત સમાજના નિર્ણાયક મત છે.

ડીસા : ડીસા બેઠક સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ રહી હતી. અહીંયા થી કોને ટિકિટ મળશે તેના ઉપર લોકોની વિશેષ ઈન્તેજારી હતી. અહીંના વર્તમાન ધારાસભ્ય અને હિન્દુવાદી નેતાની છાપ ધરાવતા શશીકાંત પંડ્યાની ટિકિટ કપાઇ છે. આ બેઠક ઉપર 52 દાવેદારો હતા. ત્યારે અહીંયા થી માળી સમાજના અગ્રણી અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળીને ભાજપે ટિકિટ આપી છે. જેઓ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત જળ સંપત્તિ નિગમના ચેરમેન રહી ચૂકેલા સ્વર્ગસ્થ ગોરધનજી ગીગાજી માળીના પુત્ર છે. પ્રવીણ માળીની પસંદગી થતા તેમની ઓફિસ આગળ સમર્થકોએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો.

કાંકરેજ : કાંકરેજ બેઠક ઉપર રાજ્યના વર્તમાન શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) કીર્તિસિંહવાઘેલા ને ભાજપ પક્ષે ફરીથી રિપીટ કર્યા છે. તેઓ સાદુ અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. અને લોકોના પ્રશ્નો સમજી તેના ઉકેલ માટે રસ લેતા હતા. તેમની ફરીથી પસંદગી થતા કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી છે.

દિયોદર : દિયોદર વિધાનસભા બેઠક માટે કેશાજી શિવાજી ચૌહાણ (ઠાકોર)ને ભાજપ પક્ષે ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ અગાઉ રાજ્યના મંત્રી પદે રહી ચૂક્યા છે. પરંતુ ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે કેશાજી ચૌહાણ માત્ર 972 મતથી હારી ગયા હતા. તાજેતરમાં અંબાજી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર તેમની એકલાની જ પીઠ થાબડી હતી, ત્યારે જિલ્લામાં વાત વહેતી થઈ હતી કે, કેશાજીની ટિકિટ હવે પાકી થઈ ગઈ. અને આ વાત પણ આજે જાણે સાચી પડી હોય તેમ ભાજપ પક્ષે તેમને દિયોદર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ અગાઉ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. તે પહેલાં તેઓ પણ અગાઉ કોંગ્રેસમાં હતા. આ બેઠક પર ઠાકોર સમાજના નોંધપાત્ર મતદારો છે.

આ પણ વાંચો : ભાજપે ગુજરાતમાં 160 ઉમેદવારોની જાહેરાત કરી, નવા ચેહરાઓ પર લગાવ્યો દાવ

Back to top button