ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ

ગુજરાત વિધાનસભા 2022 : પાકિસ્તાનથી આવેલાં 1032 શરણાર્થીઓ કરશે પહેલું મતદાન

Text To Speech

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકીય મહોલ ગરમ થઈ રહ્યો છે. આંકડા મુજબ આ વર્ષે રાજ્યની મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4.90 કરોડ મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2.53 કરોડ પુરૂષ અને 2.37 કરોડ મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11.62 લાખ જેટલા નવા મતદારો નોંધાયા છે. હવે આ નવા મતદારોમાંથી કુલ 1032 મતદારો એવાં છે કે જેઓ ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પહેલી વખત મતદાન કરશે.

આ પણ વાંચો : ગુજરાત ભાજપ: નવાને તક આપવા જૂના જોગીઓ ઘરભેગા

1032 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી

છેલ્લા 5 વર્ષમાં પાકિસ્તાનથી આવેલા આવા 1032 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે. વર્ષ 2016થી લઈને અત્યાર સુધીમાં અમદાવાદ કલેક્ટર કચેરીએ પાકિસ્તાનથી આવેલા 1032 હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે. લઘુમતી હોવાના કારણે આ લોકોને પાકિસ્તાનમાં ખૂબ જ દબાવવામાં આવ્યા હતા. જેના કારણે આ લોકોને પોતાનો દેશ છોડવાની ફરજ પડી અને કોઈ પણ રીતે ભારત આવી ગયાં હતા અને ત્યારબાદ આ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.

GE 2022 - Hum Dekhenge News
Gujarat Elections

ક્યાં વર્ષમાં કેટલાં લોકોને ભારતીય નાગરિકતા અપાઈ 

છેલ્લાં 5 વર્ષમાં આવેલાં શરણાર્થીઓને ભારતીય નાગરિકતા  મેળવવાનાં આંકડા ઉપર નજર કરવામાં આવે તો, વર્ષ 2017 માં 187 લોકોને, વર્ષ 2018 માં 256 લોકોને, વર્ષ 2019 માં 205 લોકોને, વર્ષ 2020 માં 65 લોકોને, વર્ષ 2021 માં 212 અને વર્ષ 2022 માં 107 લોકોને ગણીને કુલ 1032 લોકોને ભારતીય નાગરિકતા મળી છે.

શું છે ભારતીય નાગરિકતા મેળવવાની પ્રક્રિયા

2016 અને 2018ના ગેઝેટ મુજબ ભારતીય નાગરિકતા આપવાનો અધિકાર માત્ર અમદાવાદ, ગાંધીનગર અને ભુજના કલેક્ટરને છે. નાગરિકતાનાં આ દસ્તાવેજો હિન્દુ, શીખ, ખ્રિસ્તી અને પારસી ધર્મનાં શરણાર્થીઓને આપવામાં આવે છે, કે જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હોય છે. જો કે તેના માટે કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ પાસેથી મંજૂરી લેવી પડતી હોય છે.

Back to top button