પુત્રએ કાપ્યું પિતાનું પત્તુ ! છોટુ વસાવાની બેઠક પરથી મહેશ વસાવા લડશે ચૂંટણી
ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી માટે BTP એ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. જેમા ઝઘડિયા બેઠક પર છોટુભાઈ વસાવાની જગ્યાએ એમના પુત્ર અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાનું નામ જાહેર થતાં છોટુભાઈ વસાવા વિધાનસભા ચૂંટણી નહિ લડે એ નક્કી થઇ ગયું છે.જો કે જ્યારે BTP માંથી ચૈતરભાઈ વસાવા રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા, એમને આદ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા પછી જંગી રેલી સ્વરૂપે શકિત પ્રદર્શન કર્યું ત્યારે જ ચર્ચાઓ થઈ રહી હતી કે આ વખતે મહેશભાઈ વસાવા ડેડિયાપાડા બેઠક બદલશે.
ડેડીયાપાડામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં જંગી જાહેરસભા યોજાઇ ત્યારે ચૈતરભાઈ વસાવાએ એવી આગાહી કરી હતી કે આ વખતે મહેશભાઇ વસાવા ડેડીયાપાડાનું મેદાન છોડી દેશે, હવે જ્યારે BTPએ પોતાનું બીજું લીસ્ટ જાહેર કર્યું ત્યારે ચૈતરભાઈ વસાવાની એ આગાહી સાચી પડી છે. ડેડીયાપાડા બેઠક પર નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવાને BTPએ ઉમેદવાર બનાવ્યા છે.
છોટુભાઈ વસાવા સતત 7 ટર્મથી ઝઘડિયા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે.જ્યારે મહેશભાઈ વસાવા 2002 અને 2017 માં ડેડીયાપાડાની બેઠક પર જીત્યા હતા.2017 ની ચુંટણી મહેશભાઇ વસાવા કોંગ્રેસના ગઠબંધનને કારણે જીત્યા હતા અને એમાં સિંહ ફાળો ચૈતરભાઈ વસાવાનો પણ માનવામાં આવી રહ્યો છે.આ વખતે ચૈતરભાઈ પણ સાથે નથી કે કોંગ્રેસ સાથે ગઠબંધન પણ થયું નથી એટલે મહેશભાઈ વસાવાએ પોતાની બેઠક બદલી હોવી જોઈએ. અહીંયા એ ઉલ્લેખનીય છે કે છોટુભાઈ વસાવા સતત 7 ટર્મથી ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે જ્યારે મહેશભાઈ વસાવા 2002 અને 2017 માં ડેડીયાપાડા બેઠક જીત્યા હતા.