કેન્દ્રીય મંત્રી ગડકરીએ મનમોહનસિંહની ઉદાર આર્થિક નીતિઓની કરી પ્રસંશા, કહ્યું દેશ તેમનો ઋણી
રાજધાની દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખેડૂતો દિલ્હીની પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ શોધી શકે છે. ગડકરીએ કહ્યું કે રાજનીતિ ભૂલીને આપણે આના પર સાથે મળીને કામ કરવું જોઈએ. વધુમાં ગડકરીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની ઉદાર આર્થિક નીતિઓ માટે પણ પ્રશંસા કરી હતી.
ગડકરીએ પ્રદુષણ દૂર કરવા અંગે શું કહ્યું ?
તેમણે વધુમાં કહ્યું કે, અમારી પ્રાથમિકતા હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણનો ઉકેલ શોધવાની છે. અમે દિલ્હીની આસપાસ 60 હજાર કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવી રહ્યા છીએ, જે આ વિસ્તારને ટ્રાફિક જામથી મુક્ત કરશે. અમે ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન હાઇડ્રોજન લાવશું. રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ વધુમાં કહ્યું કે લોકોએ નિયમોનું પાલન કરવું જોઈએ. સમસ્યા એ છે કે લોકોને કાયદાનો ડર નથી. અમારું લક્ષ્ય અકસ્માતોમાં 50% ઘટાડવાનું છે.
‘ઉદાર આર્થિક નીતિઓ માટે દેશ મનમોહન સિંહનો ઋણી રહેશે’: ગડકરી
કેન્દ્રીય મંત્રી ગડકરીએ એમ પણ કહ્યું કે આર્થિક સુધારા માટે દેશ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનો ઋણી છે. TIOL એવોર્ડ 2022 ઈવેન્ટને સંબોધતા ગાદરીએ કહ્યું કે ભારતને ગરીબોને લાભ આપવાના ઈરાદા સાથે ઉદાર આર્થિક નીતિની જરૂર છે. તેમણે કહ્યું કે મનમોહન સિંહ દ્વારા 1991માં નાણાં પ્રધાન તરીકે શરૂ કરાયેલા આર્થિક સુધારાઓએ ભારતને નવી દિશા આપી કારણ કે તેમણે ઉદાર અર્થતંત્રની શરૂઆત કરી. ગડકરીએ વધુમાં કહ્યું કે, ઉદાર અર્થવ્યવસ્થાને કારણે દેશને નવી દિશા મળી, તેના માટે દેશ મનમોહ સિંહનો ઋણી છે.