‘ વંદે ભારત એક્સપ્રેસ‘નો ફરી અકસ્માત, આ વખતે મહિલાનું મોત
વંદેભારત ટ્રેનના શરૂ થયા બાદ તેની માથે જાણે ઘાત બેઠી હોય તેવું લાગે છે. જી હાં, જ્યારથી પીએમ મોદીએ વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવી છે એ પછીથી થોડા દિવસના અંતરે આ ટ્રેન કોઈને કોઈ અકસ્માતનો ભોગ બની રહી છે. ક્યારેક ભેંસ ટ્રેનની સામે ટકરાય છે તો ક્યારેક ગાય અથડાયાની ઘટના ઘટી હતી. ત્યારે, ગાય અને ભેંસ બાદ હવે વંદે ભારત ટ્રેનની અડફેટે અથડાતા એક મહિલાનું મોત નિપજ્યું છે.
આણંદમાં ટ્રેનની અડફેટે મહિલાનું મોત
એવી માહિતી મળી છે કે આ વખતે આણંદમાં ટ્રેનની અડફેટે આવતા એક મહિલાનું મોત નિપજ્યું છે. મહત્વનું છે કે, વંદેભારત ટ્રેનનો આ કોઈ પહેલો અકસ્માત નથી. અગાઉ પણ આ ટ્રેન સાથે અકસ્માત સર્જાયેલા છે.
પહેલી ઘટના 6 ઓક્ટોબરે બની
‘ વંદે ભારત એક્સપ્રેસ‘ પહેલીવાર દુર્ઘટનાનો ભોગ પીએમ મોદીના લીલીઝંડી બતાવ્યા બાદ 6 ઓક્ટોબરના દિવસે બની હતી. 6 ઓક્ટોબરના રોજ અમદાવાદ-વટવા-મણિનગર સ્ટેશન પાસે બપોરે 11.18 વાગ્યે ટ્રેનની સામે ભેંસોનું એક ઝૂંડ આવી ગયું હતું. તે સમયે ભેંસ અથડાતા ટ્રેનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો.
ત્યારબાદ, ટ્રેનનું સમારકામ કરાવીને ટ્રેન ફરી દોડતી કરવામાં આવી હતી. પરંતુ, વંદે ભારત એક્સપ્રેસ વધુ એકવાર આવી જ રીતે દુર્ઘટનાનો ભોગ બની હતી. અગાઉ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ 7 ઓક્ટોબરે આણંદ સ્ટેશન નજીક ફરી ઢોર સાથે અથડાઈ હતી. તે અકસ્માતમાં ટ્રેનની આગળની પેનલને નજીવું નુકસાન થયું હતું,
એ પછી 29 ઓક્ટોબરે ફરી ટ્રેનને આવો જ અકસ્માત નડ્યો હતો. વલસાડના અતુલ નજીક ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. તેમજ ટ્રેનના એન્જિનને પણ નુકસાન થયું હતું.