વિશ્વમાં પહેલી વખત લેબમાં બન્યું ‘ડુપ્લિકેટ બ્લડ’ : ક્લિનિકલ ટ્રાયલ રહ્યું સફળ
ઘણી વખત યોગ્ય સમયે યોગ્ય બ્લડ ગ્રુપ ન મળતાં કેટલાંક લોકો મૃત્યુ પામે છે. સમયાંતરે વધતી જાગૃતિને કારણે રક્તદાતાઓની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ તેમ છતાં ઘણી વખત દર્દીને લોહી મળતું નથી. ત્યારે તાજેતરમાં ‘ડુપ્લિકેટ બ્લડ’નું પ્રથમ સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. તેથી હવે આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોની આ શોધ દર્દીઓના લોહીની કમી પૂરી કરીને તેમનો જીવ બચાવશે.
આ પણ વાંચો : શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી થશે ‘આમળા’ : જાણી લો તેનાં ફાયદા
વિશ્વમાં પ્રથમ વખત લેબમાં બનાવાયું લોહી
વાસ્તવમાં, વૈજ્ઞાનિકોએ રક્ત સંબંધિત એક ચમત્કારિક શોધ કરી છે. વિશ્વમાં આ પ્રથમ વખત છે જ્યારે વૈજ્ઞાનિકોએ ડુપ્લિકેટ લોહી બનાવ્યું છે, જે માનવ જીવન બચાવી શકે છે. લેબમાં બનેલું આ લોહી હાલ ટ્રાયલ માટે બે લોકોને ચડાવવામાં આવ્યું છે અને લેબમાં તૈયાર કરવામાં આવેલ આ લોહીનું પ્રથમ ક્લિનિકલ ટેસ્ટ સફળ રહ્યું છે. આ ડુપ્લિકેટ રક્ત એ લોહી સંબંધિત તમામ રોગો માટે રામબાણ બનશે. ખાસ કરીને એવા લોકો માટે તે ખૂબ જ અસરકારક સાબિત થશે, જેમનું બ્લડ ગ્રુપ દુર્લભ હોય છે.
પ્રથમ ક્લિનિકલ ટેસ્ટ રહ્યો સફળ
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, વૈજ્ઞાનિકોએ રક્તદાતાઓના પેરેન્ટ સેલનો ઉપયોગ કરીને લેબમાં આ રક્ત તૈયાર કર્યું છે. આ ડુપ્લિકેટ રક્ત તૈયાર કર્યા પછી, પ્રથમ ટ્રાયલ તરીકે બે સ્વયંસેવકોને માત્ર 5 થી 10 મિલી રક્ત આપવામાં આવ્યું છે. હવે આ ટ્રાયલ દ્વારા લેબમાં તૈયાર કરાયેલા બ્લડ સેલ્સ વિશે માહિતી એકત્ર કરવામાં આવશે. વૈજ્ઞાનિકોને આશા છે કે લેબમાં બનાવેલાં રક્તકણો સામાન્ય લાલ કોશિકાઓ કરતાં વધુ સારી રીતે કામ કરશે.
બ્રિસ્ટોલ યુનિવર્સિટીના પ્રોફેસર અને NIHR બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર એશ્લે ટોયએ સમજાવ્યું છે કે આ પ્રક્રિયામાં સ્ટેમ સેલને બ્લડ સેલમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને વિશ્વમાં પ્રથમ વખત લેબ દ્વારા તૈયાર કરાયેલું લોહી મનુષ્યમાં ચડાવવામાં આવ્યું હોવાથી આ એક મોટું પગલું છે.
ચાર મહિના સુધી ચાલશે ટ્રાયલ
આ ડુપ્લિકેટ લોહીનું ક્લિનિકલ ટેસ્ટ હજુ પૂર્ણ થયું નથી. તેનો ટેસ્ટ કર્યા પછી, સ્વયંસેવકોની સારી રીતે કાળજી લેવામાં આવી રહી છે. તે ઓછામાં ઓછા ચાર મહિનામાં બે વખતથી 10 લોકોને ઓફર કરવામાં આવશે. આમાં, એક પ્રકારનું લોહી સામાન્ય લાલ કોષોમાંથી બનાવવામાં આવશે અને બીજું લોહી લેબમાં બનાવવામાં આવશે. લેબોરેટરીમાં ઉગાડવામાં આવેલા લોહીને વિશ્વની પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ બાદ સફળ થતાં વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.