ગુજરાતચૂંટણી 2022વિશેષ

ગુજરાત ચૂંટણી : આ છે નેસથી લઈ ટાપુ સુધીના વિશિષ્ટ મતદાન કેન્દ્રો, જાણો રસપ્રદ માહિતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 8 ડિસેમ્બરે નક્કી થઈ જશે કે આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતની કમાન કોન સંભાળશે. જો કે, આ પહેલાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં કેટલાક વિશિષ્ટ મતદાન કેન્દ્રો પણ છે. જે ભારતની મજબૂત લોકશાહીની પ્રતિતિ કરાવે છે. અહીં એક મતદાતા માટે પણ કેન્દ્ર ઉભુ કરાય છે તો જ્યાં કોઈ સંદેશાવ્યવહાર નથી થઈ શકતો તેવા જંગલ વિસ્તારમાં પણ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવે છે. આજે આપણે એવા જ કેટલાક વિશિષ્ટ મતદાન કેન્દ્રો વિશે જાણીશું.

(1) જિલ્લો : ગીર સોમનાથ, (મતદાન મથક : 3-બાણેજ), 93-ઉના

ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની “કોઈ મતદાર બાકી ન રહી જાય”ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા મતદારને તેમનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે જ આ મતદાન કેન્દ્ર પર દર વખતે 100 ટકા મતદાન થાય છે.મહત્વનું છે કે, ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર માટે એક મતનું બહુ મુલ્ય હોય છે. જેથી આ મતદાતાના મતનું મહત્વ પણ અનેકગણું વધી જાય છે.

(2) જિલ્લો : ગીર સોમનાથ, (મતદાન મથક: રાસપ નેસ લીલિયા), 93-ઉના

રાસપ નેસ લીલિયા એ ગીરના જંગલની અંદરનો એક એવો નાનો નેસ છે, જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં 2007થી 23 પુરૂષો અને 19 મહિલા મતદારો મળી માત્ર 42 મતદારો માટે એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે.

(3) જિલ્લો : ગીર સોમનાથ, (મતદાન મથક : 92, 93, 94 માધુપુર – જાંબુર), 91-તલાળા

14મી અને 17મી સદી દરમિયાન ભારતમાં ગુલામ તરીકે આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ અહીં રહે છે. તેમના મતદાન માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

(4) જિલ્લો : અમરેલી, (મતદાન મથક : શિયાળબેટ ટાપુ, 5 બુથ ), 98-રાજુલા

શિયાળબેટએ અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે, જે અમરેલી જિલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 75.32 હેક્ટર છે, જેમાં 832 જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ 50 કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં 4,757 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને ૦5 મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે. તમામ વૈધાનિક પ્રક્રિયાઓને અનુસરીને એક સરળ ચૂંટણી “કોઈ મતદાર બાકી રહે નહી” તેની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે.

(5) જિલ્લો : ભરૂચ, (મતદાન મથક : આલિયાબેટ), 151-વાગરા

આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા (151-વાગરા વિધાનસભા મતવિસ્તાર) હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. આલિયાબેટ અગાઉ 151-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં 68-કલાદ્રા-02નો ભાગ હતો. પરંતુ તે અન્ય વસાહતોથી ઘણું દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં આવ્યા હતા. મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો. જો કે, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે જિલ્લા વહીવટી તંત્રએ પહેલ કરી છે અને આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી છે. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેનાં પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે પોતપોતાની જગ્યાએ મતદાન કરી શકશે. ગુજરાત કેવી રીતે સુલભ ચૂંટણીના સૂત્રને સુનિશ્ચિત કરી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે.

(6) જિલ્લો : મહીસાગર, (મતદાન મથક : રાઠડા બેટ), 123-સંતરામપુર

રાઠડા બેટ એ મહિસાગર નદીમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક અનોખો બેટ છે. આ બેટ પર 376 પુરૂષ અને 336 સ્ત્રી મળી લગભગ 712 મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે. આ બેટ શૅડો એરિયામાં પણ આવે છે અને તેથી કનેક્ટિવિટી માટે પોલિંગ સ્ટાફને અલગ વાયરલેસ સેટ પણ આપવામાં આવે છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. મતદાન માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ AMFની ખાતરી કરવામાં આવે છે. વધુમાં, આ સ્થાનને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.

(7) જિલ્લો : નર્મદા, (મતદાન મથક : 4/318 – ચોપડી-2), 149-ડેડિયાપાડા

નર્મદા જિલ્લો ગાઢ જંગલો અને આદિવાસી વસતી ધરાવતો પર્વતીય જિલ્લો છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં લોકો છુટાછવાયા પરા વિસ્તારમાં રહેતા હોય છે. રીંગપાદરફળિયા નામનું એક પરૂ હાલના મતદાન મથક ચોપડી (પી.એસ નં. 03)થી તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને મુખ્ય ગામથી ખૂબજ અંતરીયાળ હોવાથી મતદારોની સુવિધા માટે અલગ કરીને એક નવું મતદાન મથક ચોપડી-02 (પી.એસ નં. 04) બનાવવામાં આવ્યું છે, જે ગામની નજીક હોવાથી મતદારોને લાંબી મુસાફરી ન કરવી પડે. આ નવા મતદાન મથકમાં માત્ર 121 મતદારો (68 પુરૂષો અને 63 મહિલા) છે. મતદાન મથક મુશ્કેલ પહાડી પ્રદેશો અને જંગલ પ્રદેશોથી ઘેરાયેલું છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર 37 કિલોમીટર છે. સુલભ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોનું આ ઉદાહરણ છે.

8) જિલ્લો : પોરબંદર, (મતદાન મથક : 64– સતવિરડા નેસ, 65 – ભુખાબારા નેસ, 66 – ખારાવિરા નેસ), 84- કુતિયાણા

પોરબંદર જિલ્લો બરડા પર્વતમાળા અને ગાઢ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં ત્રણ મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે, જે 84-કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. એટલે કે 64-સતવિરડાનેસ (876 મતદારો), 65-ભુખાબારાનેસ (577 મતદારો) અને 66-ખારાવીરાનેસ (740 મતદારો); આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા AMF અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. આ ત્રણ મતદાન મથકો માટે સમર્પિત સેક્ટર રૂટ બનાવવામાં આવ્યા છે. ત્રણેય મતદાન મથકો શૅડો વિસ્તાર હેઠળ આવે છે અને સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

(9) જિલ્લો : દેવભૂમિ દ્વારકા, (મતદાન મથક: 72 – અજાડ ટાપુ), 81-ખંભાળિયા

72– અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81 – ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુના દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર આવેલું છે. મતદાનના દિવસ પહેલા જ ટેન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે.

(10) જિલ્લો : દેવભૂમિ દ્વારકા, (મતદાન મથક : 307– કિલેશ્વર નેસ), 81-ખંભાળિયા

307- કિલેશ્વરનેસ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81–ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે નેસ વિસ્તારમાં બરડા માઉન્ટેનના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલું છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે.

(11) જિલ્લો : દેવભૂમિ દ્વારકા, (મતદાન મથક : 15 થી 19 – બેટ દ્વારકા – 1થી 5), 82-દ્વારકા

15 થી 19 – બેટ 1, 2, 3, 4 અને 5 મતદાન મથકો દેવભૂમિ દ્વારકાના 82–દ્વારકા મતવિસ્તારમાં આવેલા છે. આ કચ્છના અખાતના મુખ પર એક વસવાટવાળો ટાપુ છે, જે ઓખાના દરિયાકિનારે 03 કિ.મી. દૂર આવેલો છે. તેમાં 05 (પાંચ) મતદાન મથકો સાથે 5,605 મતદારો છે. મતદાન મથકો સુધી જવાનો એકમાત્ર રસ્તો બોટ છે.

(12) જિલ્લો : જૂનાગઢ, (મતદાન મથક : 295 – કનકાઇ), 87-વિસાવદર

ઊંડા જંગલ વિસ્તારમાં અને “નેસ” વિસ્તારમાં સ્થિત છે. સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે.

 

Back to top button