શું લિંબાયત બેઠક પર સંગીતા પાટીલનું જોર ઘટી રહ્યું છે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. આ તરફ દરેક રાજકીય પાર્ટીઓ પ્રચાર માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરતમાં ભાજપના જ ગઢમાં ભાજપના જ ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ સામે આવ્યો છે. લીંબાયત વિસ્તારમાં ભાજપના જ ચિન્હ સાથે સંગીતા પાટીલ હટાવો લીંબાયત બચાવો જેવા બેનરો લાગતા રાજકારણ માહોલ ચર્ચામાં રહ્યો છે.
આ તરફ ભાજપ દ્વારા હજુ એક પણ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી નથી. ત્યારે ચૂંટણી નજીક આવતા ભાજપના જ ધારાસભ્યનો ભાજપના જ ગઢમાં વિરોધ સામે આવ્યો છે. લીંબાયત સ્થિત આવેલા સંજય નગર સર્કલ પાસે લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ કરતા બેનરો લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી : ઉમેદવારી માટેની ઉંમર મર્યાદા અંગે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે કરી મહત્વની વાત
વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ હાલમાં જ વિરોધનો સૂર ઊભો થયો છે. જેની સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ભાણેજ આલોક ચૌધરી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને વિવિધ સામાજિક ધોરણે પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર કરી રહ્યા છે અને તેમણે પણ દાવેદારી નોંધાવતા ફરી એકવાર સુરતમાં રાજકીય સમીકરણો બદલાતા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના ઉમેદવાર માટે લગભગ નિશ્ચિત વિજય મેળવવાની બેઠક ગણાતી લિંબાયતની બેઠક પર પ્રદેશ સંગઠનના અને મોવડી મંડળના નેતાઓ કોના નામ પર મત્તુ મારે છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.
આ પણ વાંચો : સુરત લિંબાયત બેઠક પર ‘પાટીલ સામે પાટીલના ભાણેજ’, કોનું પલડું ભારે ?