ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજકીય રવિવાર : આજે ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM ના નેતાઓનો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય નેતાઓ એક બાદ એક રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. હજુ તો અમિત શાહ ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને ગયા કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે માત્ર તેઓ જ નહીં પણ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને AIMIM ના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા છે. જેના કારણે આજનો રવિવાર રાજકીય રવિવાર બની ગયો છે.

પીએમ મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભા સંબોધશે

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. ત્યારે તેઓ સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતે કપરાડામાં જંગી જાહેરસભા સંબોધવાના છે. ત્યારબાદ તેઓ ભાવનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને સુરેન્દ્રનગરમાં પણ જાહેરસભાને સંબોધન કરવાના છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં

ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીના સંયોજક પણ આજે ગુજરાતમાં છે. આજે રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે. સાંજે પાંચ વાગ્યે શહેરના કોઠારિયા ચોકડીથી નીલકંઠ સિનેમા સુધી રોડ શો થશે. રોડ શો કરી કેજરીવાલ આજે રાજકોટમાં શક્તિપ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગ્રામ્ય, દક્ષિણ અને પૂર્વ બેઠક પર કેજરીવાલ ધુંઆધાર પ્રચાર કરશે. ત્રણમાંથી બે બેઠકોમાં આમ આદમીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે.

કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી આવ્યા, કાલે ગેહલોત પણ આવશે

આ ઉપરાંત ગુજરાતમાં રાજ્ય સરકારની નબળી કામગીરીનો પર્દાફાશ અને આપના જુઠ્ઠાણા ઉપરથી પરદો ઉંચકાવવા માટે દિલ્હીથી કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. આ સિવાય આવતીકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે. જો કે તેઓ આજે અને કાલે બે દિવસ આવવાના હતા પણ તેમનો પ્રવાસ ટૂંકાવાયો છે.

ઓવૈસી આજે ગુજરાતમાં સભા સંબોધશે

ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ ઉપરાંત AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદમાં તેઓ સાંજે મીરઝાપુરના કુરેશી ચોકમાં જનસભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે, AIMIMએ અમદાવાદની જમાલપુર, દાણીલીમડા અને બાપુનગર વિધાનસભામાં પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.

Back to top button