આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં, બે જાહેરસભા સાથે ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે જંગી જાહેરસભા સંબોધી વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટેના શ્રીગણેશ કરશે. પીએમ મોદી સુરેન્દ્રનગર અને વલસાડના કપરાડામાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ ભાવનગર પણ જવાના છે. ત્યાં તેઓ એક સમૂહલગ્નમાં હાજરી આપવાના છે. પીએમના આ ત્રણેય કાર્યક્રમોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
સુરેન્દ્રનગરમાં સભાથી ગત ટર્મમાં ગુમાવેલી ચાર સીટ સરભર કરવાની કોશિષ
ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની 4 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે આ વખતે ભાજપ આવી કોઈ ભૂલ કરવા માંગતું નથી અને એટલે જ રાજ્યમાં સૌ પ્રથમ સુરેન્દ્રનગરથી પીએમ પ્રચારના શ્રીગણેશ કરવાના છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, ધ્રાંગધ્રા, વઢવાણ, પાટડી અને ચોટીલા આ 5 વિધાનસભાની સીટ આવેલી છે. જેમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 5માંથી લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી અને ચોટીલા આ વિધાનસભાની બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. એક માત્ર વઢવાણની બેઠકે લાજ રાખીને જીત મેળવી હતી. પરંતુ બાદમાં ભાજપે રાજકીય દાવ ખેલતા યોજાયેલી પેટા ચૂંટણીમાં લીંબડી અને ધ્રાંગધ્રા બેઠક જીતી હતી. આમ હાલના સમયે 5 માંથી 3 બેઠક ઉપર ભાજપની સત્તા છે.
દક્ષિણ ગુજરાતની પ્રથમ સભામાં 1 લાખની જનમેદનીનો ટાર્ગેટ
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતમાં પોતાની પ્રથમ સભા કાલે સંબોધવાના છે. પીએમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે ચૂંટણી સભાને સંબોધશે. ચૂંટણી સભાસ્થળે જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સભા મંડપ ખાતે SPG અને રેન્જ IGની આગેવાનીમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. SPGની ટીમ અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સભા મંડપ ખાતે સુરક્ષાના ભાગ રૂપે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર ખાતે સમૂહ લગ્નમાં આપશે હાજરી
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે માતા-પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી 552 દીકરીઓના જાજરમાન સમુહલગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લગ્ન સમારોહમાં દીકરીઓને આશીર્વાદ આપવા પધારશે. આ લગ્નોત્સવમાં અંદાજે ચાર લાખ જેટલા મહેમાનો ઉપસ્થિત રહેશે. પ્રભુતામાં પગલાં પાડી રહેલી 552 દીકરીઓના આ લગ્નોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીને જ્યારે દિનેશભાઈ લખાણી, સુરેશભાઈ લખાણી સહિતના આમંત્રણ આપવામાં માટે ગયા ત્યારે નરેન્દ્ર મોદીએ આમંત્રણનો સહજ ભાવે સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, દીકરીઓને આશીર્વાદ આપવા નહીં પરંતું લગ્નગ્રંથીથી જોડાઈ રહેલી 552 દીકરીઓના આશીર્વાદ લેવા માટે હું આવીશ.
ભાવનગરમાં રાજ્યપાલ, અમિત શાહ અને સીએમ પટેલ રહેશે હાજર
આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કિર્તિબેન દાણીધરીયા અને મંત્રી મંડળના કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ બગદાણા મનજીબાપા સહિત સંતો-મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.