બિઝનેસવર્લ્ડ

ટ્વિટરના કર્મચારીઓની છટણી કરાતા સંસ્થાપક જેક ડોર્સીએ માંગી માફી

Text To Speech

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્ક દ્વારા ટ્વિટરની બાગડોર સંભાળ્યાના થોડા દિવસો બાદ જ કંપનીએ તેના અડધાથી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આમાંના મોટાભાગના કર્મચારીઓ ભારતીય અથવા ભારતીય મૂળના છે. આ કાર્યવાહી વચ્ચે ટ્વિટરના સંસ્થાપક જેક ડોર્સીએ જાહેરમાં માફી માંગી છે.

શું કહ્યું છે જેક ડોર્સીએ ?

ડોર્સીએ એક ટ્વિટમાં કહ્યું, “જે લોકો ટ્વિટર પર કામ કરે છે, ભૂતકાળ અને વર્તમાન બંને, અત્યંત પ્રતિભાશાળી છે. તેઓ હંમેશા માર્ગ શોધશે, ભલે ગમે તેટલો મુશ્કેલ સમય હોય. મને ખ્યાલ છે કે ઘણા લોકો મારાથી નારાજ છે. હું સંમત છું કે મારા કારણે દરેક આ પરિસ્થિતિમાં છે. મેં આ કંપનીનું કદ ખૂબ જ જલ્દી વધાર્યું છે, તેના માટે હું દિલથી ક્ષમા ચાહું છું.

ભારતમાં સમગ્ર માર્કેટિંગ અને કોમ્યુનિકેશન વિભાગને બરતરફ કરી દેવાયા

મળતી માહિતી મુજબ ટ્વિટરે ભારતમાં તેના મોટાભાગના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પહેલા, કંપની પાસે ભારતમાં કામ કરતા 200 થી વધુ કર્મચારીઓ હતા. આ દરમિયાન, ટોચના મેનેજમેન્ટમાં ઘણા લોકોએ રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું માનીએ તો એન્જિનિયરિંગ, સેલ્સ, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમમાં કાપ મુકવામાં આવ્યો છે. જોકે, એ સ્પષ્ટ નથી કે ભારતમાં નોકરીમાંથી કાઢી મૂકેલા કામદારોને કેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં સમગ્ર માર્કેટિંગ અને કોમ્યુનિકેશન વિભાગને બરતરફ કરી દેવામાં આવ્યો છે.

પરાગ અગ્રવાલ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને બહારનો રસ્તો બતાવ્યો

મસ્ક, વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિએ ગયા અઠવાડિયે માઇક્રો-બ્લોગિંગ સાઇટનું સંપાદન પૂર્ણ કર્યા પછી કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલ અને અન્ય કેટલાક ટોચના અધિકારીઓની હકાલપટ્ટી કરી હતી. આ પછી ટોચના મેનેજમેન્ટ સ્તરે પણ ઘણા લોકોને બહાર ફેંકવામાં આવ્યા હતા. મસ્કે હવે કંપનીના વૈશ્વિક વર્કફોર્સને ઘટાડવા માટે મોટા પાયે કવાયત શરૂ કરી છે.

Back to top button