શિવસેના નેતા સુધીર સૂરીની હત્યાના આરોપી સંદીપ સિંહને પંજાબના અમૃતસરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સંદીપ સિંહના 7 દિવસના રિમાન્ડ પંજાબ પોલીસને આપ્યા છે. દરમિયાન, શનિવારે, ફેસબુક પોસ્ટ દ્વારા, સુધીર સૂરીની હત્યાની જવાબદારી કેનેડિયન ગેંગસ્ટર લખબીર સિંહ ઉર્ફે લંડા હરિકે લીધી છે.
તરન તારનથી કેનેડામાં સ્થાયી થયેલા ગેંગસ્ટર લખબીર સિંહે એક પોસ્ટમાં કહ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે. તેણે વધુમાં કહ્યું છે કે જે લોકો શીખ સમુદાય અથવા અન્ય કોઈ ધર્મ વિશે ખરાબ બોલે છે, તેઓ બધા તૈયાર રહે. દરેકનો વારો આવશે. સિક્યોરિટીને કારણે તમે બચી જશો એવું માનતા નહીં. હજુ તો શરૂઆત છે, હક લેવાના બાકી છે. જોકે, અમે આ પોસ્ટ સાચી છે કે નકલી તેની પુષ્ટિ કરતા નથી. આ મામલે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મુખવિંદર સિંહ ભુલ્લરે કહ્યું કે અત્યાર સુધી અમે આ કેસમાં લખબીર સિંહ સામે ગુનો નોંધ્યો નથી. અમે ફેસબુક પોસ્ટની ચકાસણી કરી રહ્યા છીએ. તે નકલી છે કે અસલી તે સ્પષ્ટ નથી.
લખબીર સિંહ વિરુદ્ધ પંજાબમાં 20 કેસ છે
નોંધનીય છે કે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર પર થયેલા RPG હુમલામાં લખબીર સિંહનું નામ સામે આવ્યું હતું. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંડા સાથે તેના સીધા સંબંધો છે. તરન તારનમાં કાપડના વેપારીની હત્યામાં લખબીર સિંહનું નામ પણ સામે આવ્યું હતું. પંજાબમાં તેની સામે 20 કેસ નોંધાયેલા છે. તમને જણાવી દઈએ કે હિન્દુ નેતા સુધીર સૂરીને પંજાબ પોલીસની Y કેટેગરીની સુરક્ષા અપાઈ હતી. સુરીને 15 પોલીસકર્મીઓ અને એક પાયલોટ જિપ્સીની સુરક્ષા આપવામાં આવી હતી. . તેના ઘરે 5 પોલીસકર્મીઓ રહેતા હતા. આમ છતાં, સુધીર સૂરીની ધોળાદિવસે 5 ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ખંડિત મૂર્તિઓ મળ્યા બાદ સુધીર સૂરી ધરણા કરી રહ્યા હતા
સુધીર સૂરી 2010માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે પાકિસ્તાન અને તેની ખાનગી એજન્સી ISI વિરુદ્ધ નિવેદનબાજી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સુધીર સૂરી તેના સાથીદારો સાથે મંદિરની બહાર વિરોધ કરી રહ્યા હતા જ્યારે રસ્તાના કિનારે કેટલીક ખંડિત મૂર્તિઓ મળી આવી હતી. તેમણે કહ્યું કે આ મૂર્તિઓની અપવિત્રતાનો મામલો છે. સુધીર સૂરી ગોપાલ મંદિરના મેનેજમેન્ટનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન સુધીર સૂરી પર 5 થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.