બનાસકાંઠા : ડીસામાં કોંગ્રેસની બેઠક ગોવાભાઇના પુત્રને જ અપાતા કોંગ્રેસમાં ભડકો
પાલનપુર : કોંગ્રેસે હજુ બનાસકાંઠાની એકમાત્ર ડીસાની બેઠક જાહેર કરતાં જ બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસે ડીસાની બેઠક પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇના પુત્ર સંજય રબારીને આપતા અનેક સિનિયર આગેવાનો નારાજ થયા છે. અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખ સહિત 15 જેટલા આગેવાનોએ પાલનપુર ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના રાજીનામાં ધરી દીધા હતા.
ડીસા પાલિકાના બે પૂર્વ પ્રમુખો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનોના રાજીનામાં ધરી દીધા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠાની 9 બેઠકોમાંથી એકમાત્ર ડીસાના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ડીસાના પૂર્વ ધારાસભ્ય દેસાઈના પુત્ર સંજય રબારી ને ઉમેદવાર તરીકે જાહેર કરતા સિનિયર આગેવાનોમાં રહેલો સંતોષ બહાર આવી જવા પામ્યો છે.
જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ધાડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ,ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કૈલાશબેન શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પોપટજી દેલવાડીયા, નરસિંહભાઈ દેસાઈ સહિત 15 જેટલા આગેવાનોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ કોંગ્રેસમાંથી પોતાના રાજીનામાં આપી દીધા છે.
ડીસા બેઠક પર કોંગ્રેસે પાંચ વખત ગોવાભાઇ રબારીને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાંથી તેઓ માત્ર બે વખત જીત્યા છે. જ્યારે ત્રણ વખત હાર્યા છે, ત્યારે આ વખતે કોંગ્રેસના આગેવાનોએ ડીસામાં અન્ય સમાજને ટિકિટ આપવાની માંગ કરી હતી અને જો ટિકિટ અન્ય સમાજને નહીં આપવામાં આવે તો કોંગ્રેસને આ બેઠક ગુમાવી પડશે તેવી પણ ચીમકી આપી હતી. તેમ છતાં કોંગ્રેસ પક્ષ દ્વારા ડીસા બેઠક ફરીથી ગોવાભાઇના હવાલે કરતા એટલે કે ગોવાભાઇના પુત્ર સંજયને ટિકિટ આપતા સિનિયર આગેવાનોનો અહમ ઘવાયો છે અને તેઓનો અસંતોષ સપાટી પર આવી જતા તેઓએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.
ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના સિનિયર આગેવાન વિપુલભાઈ શાહના જણાવ્યા મુજબ ડીસાની બેઠક પાર્ટીએ પરિવારવાદી બનાવી દીધી છે. અહીં અન્ય સમાજના મોટા પ્રમાણમાં મતદારો હોવા છતાં સતત એક જ સમાજને ટિકિટ આપતા તમામ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.
જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પોપટજી રડી પડ્યા
ડીસા બેઠક માટે કોંગ્રેસના પ્રબળ દાવેદાર અને ઠાકોર સમાજના અગ્રણી તેમજ જિલ્લા પંચાયતના બે વખત સદસ્ય રહી ચૂકેલા પોપટજી દેલવાડીયા એ પોતાના સમર્થકો મારફતે આ વખતે કોંગ્રેસ મોવડી મંડળને દેસાઈ સમાજ સિવાય અન્ય સમાજને ટિકિટ આપવા તાકીદ કરી હતી.
બનાસકાંઠા : જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પોપટજી દેલવાડીયા કોંગ્રેસ પક્ષ છોડતા રડી પડ્યા#Congress #GujaratElections2022 #GujaratElections #gujaratinews #humdekhengenews pic.twitter.com/0avEujpkBj
— Hum Dekhenge News (@humdekhengenews) November 5, 2022
જો કે કોંગ્રેસે ફરી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્રને જ ટિકિટ આપતા અનેક સિનિયર આગેવાનોએ રાજીનામાં આપ્યા છે. જેમાં પોપટજી દેલવાડીયા કોંગ્રેસ પક્ષ છોડતા રડી પડ્યા હતા. જ્યારે તેઓએ પોતાનો કોંગ્રેસનો ખેસ પણ પાર્ટીને અર્પણ કરી દીધો હતો.
આ પણ વાંચો : ‘ગુજરાતની ચૂંટણી ન લડો, સત્યેન્દ્ર અને મનીષ સિસોદિયા છોડી દઈશું’, કેજરીવાલે ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ