ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ‘આપ’ને મોટો ફટકો, ઇન્દ્રનીલ રાજગુરૂએ ફરી પંજો પકડ્યો

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો પડયો છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે અને તેઓએ ફરી એકવાર કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. દિલ્હીમાં રાજગુરૂએ ગુજરાત પ્રદેશના નેતાઓ તેમજ મોવડી મંડળની હાજરીમાં ફરી તેઓ પાર્ટીમાં સામેલ થયા છે.

AAP નું કામ ભાજપની બી ટીમ જેવું : રાજગુરૂ

સૌરાષ્ટ્રમાં AAPનો જેની પર મોટો મદાર હતો તે ઈન્દ્રનીલ રાજગુરૂ છેડો ફાડીને કોંગ્રેસમાં પરત આવી ગયા છે. એટલું જ નહીં, AAPને અવસરવાદી અને ભાજપની બી ટીમ ગણાવતા ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી.

ઈસુદાનને સીએમનો ચહેરો જાહેર કરાયો અને રાજગુરૂએ છેડો ફાડયો

ઈન્દ્રનીલ રાજગુરૂ શુક્રવારે સાંજે એકાએક દિલ્હી પહોંચી ગયા હતા અને કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, જીપીસીસી પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે હજી આજે બપોરે જ તો રાજકોટમાં આપની સાથે રહેલા ઈન્દ્રનીલ સાંજે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. યોગાનુયોગે આજે જ ઈસુદાન ગઢવીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AAPના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાયા હતા જેના કલાકોમાં જ ઈન્દ્રનીલે AAP સાથે છેડો ફાડ્યો છે.

Back to top button