દિલ્હીમાં કોર્પોરેશન ચૂંટણીની તારીખો જાહેર : 4 ડિસેમ્બરે મતદાન, 7મીએ પરિણામ
દિલ્હી કોર્પોરેશન માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હીના રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની જાણકારી આપી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ ચૂંટણી માટે 4 ડિસેમ્બરની તારીખ જાહેર કરી છે, જ્યારે 7 ડિસેમ્બરે તેની મત ગણતરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : આઝાદીનાં 75 વર્ષે આ બેટ પરના ગામોને મળ્યું પહેલું વોટિંગ બુથ
નોમિનેશનની અંતિમ તારીખ 14 નવેમ્બર
રાજ્ય ચૂંટણી પંચનાં ચૂંટણી કમિશનર ડૉ વિજય દેવે જણાવ્યું છે કે, આ ચૂંટણી માટે 7 નવેમ્બરે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, જેમાં નોમિનેશનની અંતિમ તારીખ 14 નવેમ્બર રહેશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, દિલ્હી કોર્પોરેશનમાં 250 વોર્ડ નક્કી કરવામાં આવ્યાં છે, જે પૈકી 42 જેટલાં વોર્ડ SC માટે રિઝર્વ રાખવામાં આવ્યાં છે. જ્યારે મહિલાઓ માટે 50 ટકા બેઠકો રિઝર્વ છે.
ચૂંટણીની તારીખ જાહેર થતાં દિલ્હીમાં આજથી જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જેથી રાત્રે 10 વાગ્યાથી 6 સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. આ સિવાય ચૂંટણી માટે ઉમેદવારોનો ખર્ચ 5.75 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ કરી દેવામાં આવ્યો છે.
ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો મુકાબલો
MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી) ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. ભાજપ છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી MCDની સત્તા પર છે. જ્યારે આમ આદમી પાર્ટી પ્રથમ વખત MCD ચૂંટણી જીતવા માટે મેદાનમાં છે. 2017ની ચૂંટણી વાત કરવામાં આવે તો ભાજપે 181 બેઠકો પર વિજય પ્રાપ્ત કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટીના ફાળે માત્ર 48 બેઠકો જ આવી હતી. આ સિવાય કોંગ્રેસને 30 બેઠકો પર જીતી મળી હતી.