બનાસકાંઠામા નવ બેઠક માટે 5 ડિસેમ્બરે મતદાન
પાલનપુર: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે અને ચૂંટણી યોજવા તંત્ર સજ્જ બન્યું છે. પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની મિડીયાને માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
જિલ્લામાં કુલ- 9 વિધાનસભા મતવિસ્તારમાં 2612 મતદાન મથક
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલે ચૂંટણીલક્ષી વિગતો આપતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ- 9 વિધાનસભા મતવિસ્તારોમાં 2612 મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. જિલ્લામાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 24,89,694 છે. જે પૈકી પુરૂષ મતદારો-12,92,584 અને સ્ત્રી મતદારો- 11,97,094 છે અને 16 થર્ડ જેન્ડરના મતદારો નોંધાયેલા છે. તેમણે કહ્યું કે, યુવા મતદારો વધુ સંખ્યામાં જોડાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેના લીધે આ વખતે 18 થી 19 વર્ષની ઉંમરના 81,515 મતદારો નોંધાયા છે જેઓ પ્રથમ વખત મતદાન કરવાના છે અને 80 વર્ષથી વધુ વયના 39,969 મતદારો નોંધાયેલા છે. 24,280 જેટલાં દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.
આદર્શ આચારસંહિતા અમલીઃ ચૂંટણી યોજવા તંત્ર સજ્જ
કલેકટરએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી યોજવા સજ્જ છે. ચૂંટણી કામગીરી માટે કુલ-10,448 જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલી છે. જેમાં 2907 જેટલી મહિલા કર્મચારીઓ પણ ચૂંટણી ફરજ બજાવશે. ચૂંટણી સંબધી માહિતી માટે હેલ્પ લાઇન નંબર 1950 શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અને પોર્ટલ પરથી પણ મતદારો ચૂંટણીવિષયક માહિતી મેળવી શકે છે. વોટર હેલ્પલાઇન એપ્લીકેશન પણ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે ફરીયાદ સંબંધી ટોલ ફ્રી નં. 1800-233-2022 છે. જેના પર ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી કોઇપણ પ્રકારની ફરીયાદ નોંધાવી શકાશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે જેનો નંબર -02742-260791 છે.
નવતર પ્રયોગ, 1 યુવા મતદાન મથક ઉભું કરશે
- જિલ્લાની દરેક ૯ વિધાનસભામાં આદર્શ મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે.
- દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક પણ ઉભા કરવામાં આવશે. જેમાંદિવ્યાંગ કર્મચારીઓ રહેશે.
- દરેક વિધાનસભા મતદાર વિભાગમાં 75 થી 30 વર્ષના યુવા કર્મચારીઓ સંચાલિત 1 યુવા મતદાન મથક ઉભું કરવામાં આવશે.
ચૂંટણી ને લઈ કેવી તૈયારીઓ
- રેલી, સભા, સરઘસની મંજુરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ
- ૨૨ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક
- શંકાસ્પદ વસ્તુઓની હેરફેર અટકાવવા માટે 90 જેટલી SST (સ્ટેટીક સર્વેલન્સ ટીમ) અને 41 FST (ફ્લાઇંગ સ્ક્વોર્ડ)
- વિડીયો રેકોર્ડીંગ માટે 23 VST ( વિડીયો સર્વેલન્સ ટીમ) અને ૯ વિધાનસભા વિસ્તારમાં 9 જેટલી VVT ( વિડીયો વ્યુંઇગ ટીમ)
- ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ સંબંધી શેડો રજીસ્ટર નિભાવવા અને પેઇડ ન્યુઝ પર નજર
- રોકડ વ્યવહાર અને ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમ પોલીસ તંત્ર પણ સજ્જ
- બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં આ વખતે ૩૦ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરાશે છે.
- 13 ITBP ની ટીમ તૈનાત રહેશે.
- માદક પદાર્થો અને શંકાસ્પદ વસ્તુઓની હેરફેર થતી જણાય તો પોલીસને વોટ્સએપ નંબર 9913161000 ઉપર નાગરિકો માહિતી આપી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી કાર્યક્રમ
- ચૂંટણીની જાહેરાતની તારીખ – 03 નવેમ્બર’22
- જાહેરનામુ બહાર પાડવાની તારીખ – 10 નવેમ્બર’22
- ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ – 17 નવેમ્બર’22
- ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ – 18 નવેમ્બર’21
- ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ -21 નવેમ્બર’22
- મતદાનની તારીખ – 05 ડિસેમ્બર’22
- મત ગણતરીની તારીખ – 08 ડિસેમ્બર’22
- ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ – 10 ડિસેમ્બર’22