Election 2022 : ગુજરાતમાં સંઘને સોંપાઈ આ મોટી જવાબદારી
હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં ટિકિટની વહેંચણીથી ભાજપમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આવું પુનરાવર્તન જોવા ન મળે આ માટે ભાજપ બહુ ધીરજથી પગલાં લઈ રહ્યું છે અને તેના માટે સંઘને રાજ્યમાં બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ટિકિટ ન મળતા નેતાઓના કારણે પાર્ટીને ચૂંટણીમાં નુકસાન ન થાય તે માટે ભાજપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આશ્રય લીધો છે. ટિકિટની વહેંચણી બાદ જો કોઈ નેતા નારાજ થશે તો સંઘના કાર્યકરો ઘરે જઈને તેને મનાવી લેશે. તે તેમને પાર્ટીનું મહત્વ અને તેનાથી અલગ થવાના ફાયદા અને ગેરફાયદા સમજાવશે.
દરેક વિધાનસભામાં સંઘના સ્વયંસેવકોની ટિમ બનાવાઈ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશની ટિકિટની વહેંચણીથી જ ભાજપની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે. ઘણા નેતાઓએ તો ટિકિટ કાપવાના કારણે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે મેદાનમાં ઉતરવાની પણ જાહેરાત કરી હતી. જેના કારણે પાર્ટીએ તેના ઘણા નેતાઓને સસ્પેન્ડ પણ કરવા પડ્યા હતા. ગુજરાતમાં આવી સ્થિતિ ન જોવા મળે તે માટે ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સહારો લઈ રહી છે. પાર્ટી નેતૃત્વએ નેતાઓ અને કાર્યકર્તાઓને સંઘ સાથે મળીને કામ કરવા સૂચના આપી છે. આ માટે સંઘ દ્વારા દરેક વિધાનસભામાં વરિષ્ઠ સ્વયંસેવકોની ટીમ બનાવવામાં આવી છે, જે સંઘ અને ભાજપના અસંતુષ્ટ કાર્યકરોને મનાવવાનું કામ કરશે. જો કે, ટિકિટની જાહેરાત બાદ આ ટીમની ભૂમિકા વધશે, કારણ કે હાલમાં આ ટીમ સત્તા વિરોધી અથવા નારાજ કાર્યકરોને પાર્ટીની નજીક લાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે ટીકીટની વહેંચણી બાદ ટીકીટ છૂટી ગયેલા આગેવાનો અને કાર્યકરોની નારાજગી વધશે ત્યારે તેઓને મનાવવામાં લાગી જશે.
6 હજાર સ્વયંસેવકો મેદાનમાં, તૈયારીઓ એક વર્ષ પહેલાં જ કરી હતી શરૂ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક વર્ષ પહેલા જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી. સંઘે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતને બે ભાગમાં વહેંચી દીધું છે. એક પ્રદેશનું મુખ્ય મથક અમદાવાદ અને બીજા પ્રદેશનું મુખ્ય મથક સૌરાષ્ટ્રમાં બનાવાયું છે. રાજ્યના દરેક વિધાનસભા ક્ષેત્રમાં સંઘે 30 થી 40 લોકોને જવાબદારી સોંપી છે. સમગ્ર ગુજરાતમાં 6 હજારથી વધુ સ્વયંસેવકોને વિવિધ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. તમામ સ્વયંસેવકોએ પોતપોતાના વિસ્તારમાં લોકોને તેમના મતાધિકાર વિશે જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું છે. સંઘના વરિષ્ઠ અને વૃદ્ધ કાર્યકરોએ વિસ્તારના વૃદ્ધો, યુવાનો અને મહિલા મતદારોની વચ્ચે જઈને વર્તમાન સરકાર અને શાસક પક્ષની કામગીરીની ગણતરી શરૂ કરી છે.