થોડા સમય પહેલાં IIM અમદાવાદનો ઈન્ટરનેશનલ લોગો બદલવાને લઇને વિવાદ ઉભો થયો હતો. ડોમેસ્ટિક લોગો છે તેમાંથી સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં IIM ના ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવ્યો હોવાથી ફેકલ્ટી કાઉન્સિલે તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ લોગો બદલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે બોર્ડ ઓફ ગવર્ન્સની મિટિંગમાં લોગોમાં કેટલાક બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને હવે લોગોમાં બદલાવ કરી નવો લોગો તૈયાર કરવામાં આવ્યો છે.
AHMEDABADની જગ્યાએ IIMA લખાયું
IIM ના ડાયરેકટર પ્રોફેસર એરલ ડિસોઝા દ્વારા લોગો બદલવા અંગે જાણકરી આપવામાં આવી હતી. IIM અમદાવાદમાં જુના લોગોમાં IIM અને તેની નીચે AHMEDABAD લખવામાં આવ્યું હતું તે બદલીને IIMA કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુના લોગોની અંદર વિદ્યાવિનિયોગાદ્વિકાસ: સંસ્કૃતમાં લખવામાં આવ્યું તે સંસ્કૃત શબ્દોને નવા લોગોમાં લોગોની નીચે રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત લોગોની અંદર જે જાળી હતી તે જાળીને નવા લોગોમાં વધુ બોલ્ડ કરવામાં આવી છે. IIT રૂરકી દ્વારા IIM અમદાવાદના બિલ્ડીંગ અને ડોમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કર્યા હતા.
ઈતિહાસને આગળ વધારવા લોગો રિફ્રેશ કરાયો
રીપોર્ટ મુજબ જુના બાંધકામમાં કેટલાક બિલ્ડીંગ જોખમકારક લાગતા બોર્ડ ઓફ ગવર્ન્સની બેઠકમાં બિલ્ડીંગ રિડેવલોપમેન્ટનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે તે મુજબ અત્યારે કામ પણ ચાલી રહ્યું છે. IIM અમદાવાદના ડાયરેકટર એરલ ડિસોઝાએ જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ગર્વન્સ સાથે બેઠક થઈ હતી જેમાં તમામ લોકોને સાંભળીને તથા તમામ લોકોની સહમતિથી લોગો અને બિલ્ડીંગના બાંધકામ માટે નિર્ણય કરવામાં આવ્યો છે.ઇતિહાસને આગળ વધારવા લોગો રિફ્રેશ કરવામાં આવ્યો છે.લોગો સિમ્પલ જ બનાવવામાં આવ્યો છે.
અગાઉ IIM-Aના પૂર્વ ડાયરેક્ટરે વિરોધ નોંધાવ્યો
IIM-Aના પૂર્વ ડાયરેકટ બકુલ ધોળકીયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારના ડાયરેક્ટરનો નિર્ણય બિલકુલ ખોટો છે, આ નિર્ણય મનસ્વી નિર્ણય છે. 1961થી IIM ના લોગોમાં આ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દો સાથે IIM એ અનેક ખ્યાતિ હાંસલ કરી છે. બોર્ડને ડાયરેક્ટરે પ્રપોઝલ આપ્યું ત્યારે ફેકલ્ટી પાસેથી એપ્રૂવલ પણ મેળવ્યું નથી. બોર્ડ દ્વારા આ નિર્ણય પરત ખેંચવો જોઈએ અને IIMનો લોગો જે અગાઉ હતો તે જ ઇન્ટરનેશનલ લોગો માટે રાખવો જોઈએ.