બનાસકાંઠા : ડીસા -ભોયણના નિ:સહાય વૃદ્ધાનો સરપંચે જીવ બચાવ્યો
પાલનપુર : ડીસા તાલુકાના ભોયણ ગામે ફરી એકવાર જાગૃત સરપંચે વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો છે.બંધ ઘરમાં બેભાન અવસ્થામાં પડેલ વૃદ્ધ અને નિઃસહાય મહિલાની માહિતી મળતા જ સરપંચ તાત્કાલિક તેના ઘરે જઈ દરવાજો તોડી પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની મદદથી બીમાર મહિલાને સારવાર માટે ખસેડી જીવ બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વૃદ્ધા એકલવાયું જીવન જીવતા હતા
ડીસા તાલુકાના ભોયણ ગામ ખાતે રહેતા વૃદ્ધા કાંતાબેન વિરમાભાઈ પ્રજાપતિ છેલ્લા ઘણા વર્ષોથી એકલવાયું જીવન જીવતા હતા. પરિવારમાં કોઈ સંતાન ન હોવાના કારણે તેઓ પોતાના ઘરમાં એકલા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડતા ખાટલા પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. લાંબા સમય સુધી કાંતાબેન ઘરની બહાર ન આવતા ઘરની આજુબાજુ પસાર થતાં લોકોએ કાંતાબેનના ઘરનો દરવાજો બંધ હોવાના કારણે શંકા થઈ હતી. જેથી તેઓએ બારીમાંથી અંદર જોતા કાંતાબેન બેભાન અવસ્થામાં પડ્યા હતા.
જે અંગેની જાણ થતા સરપંચ મનુભાઈ પ્રજાપતિ તાત્કાલિક કાંતાબેનના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો અને કાંતાબેન ઘરમાં તબિયત ખરાબ હોવાના કારણે બેભાન અવસ્થામાં પડ્યા હતા.
જે બાદ ગામના સરપંચ મનુભાઈ પ્રજાપતિ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. અને દરવાજો તોડી કાંતાબેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ઘરનો દરવાજા તોડી 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા
આ સમગ્ર ઘટનાને લઈ કાંતાબેનની તબિયત વધુ ખરાબ હોવાના કારણે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હટી. અને કાંતાબેન ને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવતા તેઓની તબિયત સારી થઈ હતી.
આ પણ વાંચો : ભાજપ અને કોંગ્રેસ પાસે હાલમાં કેટલી છે બેઠક અને શું આ વખતે બદલાશે સમીકરણ ?