ચીનમાં આ વર્ષે જ માર્ચ મહિનામાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. અહીં ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 132 લોકો માર્યા ગયા હતા. હવે આ વિમાન દુર્ઘટનાને લઈને ચોંકવાનારો ખુલાસો થયો છે. રિપોટ્સમાં દાવો કરાયો છે કે બની શકે છે કે છેલ્લી ઘડીએ વિમાનને જાણીજોઈને ઝડપથી નીચે લાવવામાં આવ્યું છે. આ દાવો વિમાનના બ્લેક બોક્સના ડેટાના વિશ્લેષણ કરનાર અમેરિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ બાદ કરવામાં આવી રહ્યો છે.
ફ્લાઈટ કનમિંગથી ગ્વાંગઝોઉ જઈ રહિ હતી
આ વિમાનના ચીનના કનમિંગથી ગ્વાંગઝોઉ તરફ જઈ રહ્યું હતું. ત્યારે આ વિમાન વુઝોઉમાં ક્રેશ થઈ ગયું હતું. ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 ગ્વાંગઝોઉ પહોંચે તેના એક કલાક પહેલાં જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. બોઈંગ 737-800 જેટ, ઉડાન ટ્રેકિંગ સેવા ફ્લાઈટરડાર દ્વારા નોંધવામાં આવેલા આંકડા મુજબ વિમાન ક્રેશ થયું તે પહેલાં બે મિનિટથી પણ ઓછ સમયમાં 29,000 ફુટ નીચે આવ્યું હતું.
કોકપિટમાં હાજર શખસને ઈનપુટ અપાયા અને દુર્ઘટના ઘટી
વોલ સ્ટ્રીટ જનરલે અમેરિકાના અધિકારીના હવાલાથી જણાવ્યું કે બ્લેક બોક્સમાં નોંધાયેલી જાણકારીથી ખ્યાલ આવે છે કે કોકપિટમાં હાજર શખસને ઈનપુટ આપવામાં આવ્યા હતા, તેના કારણે આ વિમાન દુર્ઘટના ઘટી હતી. આ મામલાની જાણકારી રાખનાર એક અધિકારીએ પોતાનું નામ જાહેર કરવાની શરતે જણાવ્યું કે વિમાને તે જ કર્યું જે કોકપિટમાં તેને કરવાનું કહેવામાં આવ્યું.
ચીનનો પણ રિપોર્ટ સામે આવ્યો હતો
આ પહેલા ચીન એવિએશન રેગ્યુલેટરનો પણ એક રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે વિમાનમાં કોઈ પણ પ્રકારની ખામી ન હતી. વિમાન ક્રેશ થયું ત્યાં સુધી સામાન્ય સ્થિતિમાં જ હતું. જો કે આ રિપોર્ટમાં તે વાતનો કોઈ ઉલ્લેખ ન હતો કે આ દુર્ઘટના કયા કારણસર થઈ હતી.
શું કોકપિટમાં કોઈ ઘુસી ગયું હતું
મીડિયા રિપોટ્સ મુજબ તે વાતની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિમાનના કોકપિટમાં કોઈ વ્યક્તિ ઘુસી ગયું હોય અને જાણીજોઈને તેને ક્રેશ કરાવ્યું હોય. વિમાન હાઈજેકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. 9/11ના આતંકી હુમલા દરમિયાન આવું જ થયું હતું. તો 1999માં બે પાયલટ દ્વારા જાણીજોઈને વિમાન ક્રેશ કરવાના કેસ સામે આવ્યા હતા.