વડોદરાઃ શહેરના નવલખી મેદાનમાં આગામી નવરાત્રીમાં ગરબાના આયોજન અંગે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ માટે વડોદરાના રાજવી પરિવારની મંજૂરી પણ લેવાઇ ગઇ છે અને મેદાનનું બુકિંગ થઇ ગયું છે.
કોરોનાકાળમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરબાનું આયોજન નથી થઇ શક્યું, ત્યારે હવે કોરોના કાબુમાં આવી ગયો છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થયું છે. જેથી તહેવારોની ઉજવણી પણ ધામધૂમપૂર્વક થઇ રહી છે. ટ્રેડિશનલ ગરબા માટે જાણીતા વડોદરામાં આગામી નવરાત્રી માટે ગરબાના આયોજન શરૂ થઇ ગયા છે. જેમાં શહેરના નવલખી મેદાનમાં ગરબાનું આયોજન કરવા માટે આ મેદાનની માલિકી ધરાવતા વડોદરાના રાજવી પરિવારની મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે.
નવલખી મેદાનમાં ગરબાના આયોજન અંગે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) ના મયંક પટેલે જણાવ્યું હતું કે, ગરબા માટે રાજવી પરિવારની મંજૂરી લેવાઇ ગઇ છે. આગામી દિવસોમાં પોલીસની મંજૂરી પણ લેવામાં આવશે. આ ગરબા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ અને ક્રેડાઇ દ્વારા યોજાશે. ઉલ્લેખનીય છે કે મયંક પટેલ વડોદરા ક્રેડાઇના પ્રમુખ પણ છે.