રાજ્યવ્યાપી શોક : બનાસકાંઠા જિલ્લામાં મોરબી દુર્ઘટનાના દિવંગતોને અપાઇ શ્રદ્ધાંજલી
પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજ્યભવન ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના શોકમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવી તેમજ પ્રાર્થના સભાઓ યોજી મોરબી પુલની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર હતભાગીઓના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભા સહિતના શ્રદ્ધાંજલી કાર્યક્રમો યોજાયા હતા.
સરકારી કચેરીઓમાં શોકસભાઓ- પ્રાર્થના સભાઓ યોજાઈ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર કચેરીના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. કલેક્ટર કચેરીએ રાજ્યવ્યાપી શોક અંતર્ગત અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
જિલ્લાના પુંજપુર ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજી મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની સદગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
સરકારી ઇમારતો પર રાષ્ટ્ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો
જિલ્લા પંચાયત કચેરી પાલનપુર ખાતે પણ પ્રાર્થના સભાનું આયોજન કરી મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માઓને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત વિભાગ હસ્તકની વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ પ્રાર્થના સભામાં જોડાયા હતા અને મૃતકોની સદગતિ માટે પ્રાર્થના કરી હતી.
આમ જિલ્લાભરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ ખાતે મોરબી દુર્ઘટનાને પગલે શોક સભાઓ, પ્રાર્થના સભાઓ યોજી અને મૌન પાળી મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. દુઃખની આ ઘડીમાં સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠા જિલ્લો પણ મૃતકોના પરિવારજનોની પડખે છે એની પ્રતીતિ કરાવતા બનાસકાંઠા જિલ્લામાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ કોઈપણ પ્રકારના સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાયા ન હતા.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, રાજ્યના 27 બિન હથિયારી PIની બદલી