વલસાડના અબ્રામામાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખોલી લાખોની છેતરપિંડી, 3 આરોપી ફરાર
વલસાડઃ અબ્રામામાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખોલી વેપારીઓ પાસેથી સાધનો મંગાવીને આપેલા ચેકો બાઉન્સ થતાં છેતરપિંડીની એપ્રિલમાં થયેલી ફરિયાદમાં વલસાડ સીટી પોલીસે તપાસ હાથ ધરતા રૂ.6.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ સાથે ઠગાઇ કરી છૂ થઇ ગયેલા 3 પૈકી 2 ઇસમને પકડી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વલસાડ તિથલ રોડ ઉપર લેપટોપ અને કોમ્પ્યુટરના વેપારી ચેતનભાઇ પટેલ ઉપર 21 એપ્રિલ 2022ના રોજ અબ્રામા સાફી હોસ્પિટલ પાસે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી ફોન આવ્યો હતો. જેમાં લેપટોપ સહિત સામગ્રી પૂરી પાડવા જણાવતા ચેતનભાઇએ તેમને રૂ.1.28 લાખનો સામાન આપ્યો હતો. જેની સામે આ ઓફિસના ઇસમ જગદીશભાઈએ ICICI બેંકનો રૂ.1.28 લાખનો ચેક આપ્યો હતો અને બેંકમાં 2 દિવસ બાદ ચેક જમા કરાવવા જણાવ્યું હતું. જે મહેન્દ્ર કોટક બેંકમા નાંખતા બાઉન્સ થતાં અબ્રામા ઓફિસમાં તપાસ કરાવતા ઓફિસ બંધ અને મોબાઇલ પણ બંધ આવતા છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું.
ચેતનભાઇએ પોલીસ મથકે પહોંચી હકીકત જણાવતા અને વેપારીઓ સાથે પણ આવી જ ઠગાઇ થઇ હોવાનું માલુમ પડતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની બંધ ઓફિસના ઇસમ પ્રકાશ પટેલ, વડોદરાના બાલકૃષ્ણ અને જગદીશ, રહે. આણંદ નામના 3 ઇસમ વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ સીટી પોલીસ ના PSI જગદીશભાઈ પરમાર અને તેમની ટીમે તપાસ હાથ ધરી આ પ્રકરણમાં પોલીસે અબ્રામા સ્થિતિ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની બંધ ઓફિસે પહોંચી ત્યાંથી રૂ.6.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પ્રથમ બાલકૃષ્ણ ઠક્કર અને ત્યાર બાદ જગદીશ ભાઈની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં છેતરપિંડીની ફરિયાદો વધી રહી છે. ખાસ કરીને ઓનલાઇન વ્યવહારોમાં છેતરપિંડી થઇ રહી હોવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં આવી રહી છે. જેથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને નોકરીયાત વર્ગે પણ ઓનલાઇન ખરીદીમાં ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેથી તેઓ છેતરપિંડીનો ભોગ બની ન શકે.