મોરબી દુર્ઘટનામાં બચાવ કામગીરી કરતી BAPS સંસ્થાની પીએમ મોદીએ કરી પ્રશંસા

મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. ત્યારે તેમની વેદનાનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે. આ ઘટનામાં 136 લોકો પોતાના જીવ ઘુમાવી ચૂક્યા છે. ત્યારે આ બની ત્યારથી લઈને સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યુ હતુ. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર અનેક લોકોએ માનવતા દાખવી નદીમાં ગરકાવ થયેલા લોકોના જીવ બચાવવા પ્રયાસો કર્યો હતો. જે કામગીરીમાં BAPSના સ્વયંસેવકો પણ લોકોની વ્હારે આવ્યા હતા. અને તાત્કાલીક લોકોની મદદ માટે ટીમ સાથે દોડી ગયા હતા.
BAPS સંસ્થાની કામગીરીની પીએમએ પણ નોંધ લીધી

BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી BAPSના સ્વયંસેવકોએ અનેક લોકોના જીવ બચાવીને યોગ્ય સારવાર અર્થે સેવા આપી હતી. BAPS ના સંતોએ તમામ પીડીતો માટે ભોજનની પણ ત્વરિત વ્યવસ્થા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘટના સ્થળે આવીને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં BAPSના સંતો અને કાર્યકરોએ બચાવ કામગીરી અને ભોજન વ્યવસ્થાની સારી સેવા આપી તે બદલ પ્રધાનમંત્રીએ પણ તેમની કામગીરીની સરાહના કરી હતી.
BAPS ના સંતો અને સ્વયંસેવકો લોકોની વ્હારે આવ્યા
મોરબી ખાતે મચ્છુ નદી પરના ઝુલતા પુલની દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે જે ઘટનાથી સમગ્ર દુનિયા સ્તબ્ધ થઈ છે. આ દુર્ઘટના ઘટી અને ચારે તરફ ચીસાચીસ અને બચાવો બચાવોનો ચિત્કાર ચાલી રહ્યો હતો તે જ ક્ષણે આ અફરાતફરી વચ્ચે જુલતા પૂલની સાવ નજીક આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવક સુભાષેભાઈએ એક પળનો પણ વિલંબ કર્યા વિના તુરંત બચાવ કાર્યવાહી માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. સુભાષભાઈએ આ બચાવ કામગીરીમાં છ વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા, અને અન્ય બે વ્યક્તિને બહાર લઈ આવ્યા પછી તેમના મૃત્યુ થયા હતા. જે ઘટના અંગેની જાણ થતા જ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંતો અને સ્વયંસેવકો દુર્ઘટનાગ્રસ્ત લોકોના બચાવની કામગીરીમાં એકજૂથ થઈને ટીમ સાથે પહોંચી ગયા હતા.
BAPS દ્વારા રાહત રસોડાનો પણ આરંભ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ દુર્ઘટનામા જેમણે સ્વજનો ગુમાવ્યા છે એવા પરિવારજનો માટે ભગવાનના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરીને સહાનુભૂતિ દર્શાવી છે. સાથે સાથે તેઓની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાહત રસોડાનો પણ આરંભ કરવામાં આવ્યો છે. બચાવ કાર્યવાહીમાં જોડાયેલા લશ્કરી જવાનો અને અન્ય લોકોને પણ ભોજનની વ્યવસ્થા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: મોરબી ઘટનાને લઈને આજે રાજ્યવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ ફરકશે