મોરબી ઘટનાને લઈને આજે રાજ્યવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ ફરકશે
મોરબીની દુર્ઘટનનાને લઇ સમગ્ર ગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. ત્યારે આજે રાજ્યની તમામ સરકારી સંસ્થા પર લગાવાયેલ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવશે. મોરબી દુર્ઘટનાને લઈને ગુજરાતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરતા આજે રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો અને સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા છે. તેમજ કેટલાય લોકો સારવાર હેઠળ છે. જે ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાશે.
રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવશે
ગુજરાતમાં આજના દિવસે અનેક સરકારી કચેરીઓમાં લાગેલ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તેમજ દિવ્ય આત્માની શાંતી માટે શોક પાડવામાં આવશે. આજના દિવસે અનેક સંસ્થાઓ અને કચેરીમાં તમામ કાર્યક્રમો રદ્દ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.
રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્રદ્ધાંજલિ
મોરબીની ઘટનામાં ઘણા લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. ત્યારે આ મૃતકોના આત્માની શાંતી માટે આજે ગુજરાતમભરમાં શોક જાહેર કરાયો છે. ત્યારે અનેક જીલ્લામાં સંસ્થાઓ દ્વારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ અમદાવાદના ટાગોર હોલમાં દિવંગત આત્માઓ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “હું સમગ્ર રાજ્યને નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે તે આ દિવસે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરે.
મોરબી પુલ ઘટનામાં 135ના મોત
રાજકીય લોકોથી લઈને સામાન્ય નાગરીકોમાં પણ મોરબીની ગોઝારી ઘટનાને લઈ ગમગીની છવાઈ છે. ઝુલતા પુલ તુટવાની ઘટનાના ત્રણ દિવસ બાદ હજુ પણ દુર્ઘટનાસ્થળે બે લોકોના મૃતદેહોની શોધખોળ ચાલુ છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી ખુદ પીએમ પણ ખુબ જ વ્યથિત હતા અને ગઇકાલે PM મોદીએ પણ મોરબીમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સાથે જ દુર્ઘટનાગ્રસ્ત લોકોના ખબર અંતર પુછ્યા હતા. અને સ્થાનિક તંત્રને બનતી તમામ મદદ કરવા સુચનો આપ્યા હતા.
આ પણ વાંચો;