ગુજરાત

ધર્મજમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું, દીકરી થતા મેણાં-ટોણાં મારતા

Text To Speech

આણંદઃ પેટલાદ તાલુકાના ધર્મજ ગામે રહેતી પરિણીતાને અઢી વર્ષ પહેલાં દિકરીનો જન્મ થતાં સાસરિયાએ મ્હેણાં ટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ ત્રાસથી કંટાળી તેણીએ જાતે કેરોસીન છાંટી જાત જલાવી દીધી હતી. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે પતિ અને સાસુ – સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોજિત્રાના કાસોર ગામે રહેતા મહેશભાઈ ઉર્ફે શંભુ પરમારની બહેન તેજલબહેન (ઉ.વ.24)ના લગ્ન 2013ના વર્ષમાં ધર્મજ રહેતા મહેશ મનુભાઈ પરમારની સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તે પતિ મહેશભાઈ, સાસુ ગંગાબહેન તથા સસરા મનુભાઈ તથા જેઠ – જેઠાણીની સાથે રહેતાં હતાં. પતિ મહેશ અમદાવાદ ખાતે પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. તેજલબહેનના લગ્ન બાદ શરૂઆતમાં સુખમય જીવન ચાલતું હતું. પરંતુ દિકરીનો જન્મ થયા બાદ તેના પતિ અને સાસુ – સસરા અવાર નવાર ઝઘડો કરી અપશબ્દો કહેતાં હતાં. તારા લગ્નને આશરે સાત – આઠ વર્ષનો સમય થયો છતાં તને દિકરાનો જન્મ થતો નથી અને દિકરીનો જન્મ થયો છે. તેમ કહી મારઝુડ કરી શારીરિક – માનસિક ત્રાસ આપતાં હતાં.

આ અંગે પિયરમાં પણ તેજલબહેને ફરિયાદ કરી હતી અને પિયર રહેવા પણ જતાં રહ્યાં હતાં. પરંતુ ઘર સંસાર બગડે નહીં તે માટે સમજાવીને પરત સાસરીમાં મોકલી આપતાં હતાં. જોકે, સાસરિયાના વર્તનમાં કોઇ ફર્ક પડ્યો નહતો અને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાનમાં 16મી મેના રોજ તેજલબહેને બાથરૂમમાં શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જતાં આખા શરીરે સખત રીતે દાઝી ગયાં હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે પેટલાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં.

આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે, તેજલબહેનના ભાઈ મહેશભાઈએ દિકરી જન્મી હોવાથી સાસરિયાના ત્રાસથી કંટાળી બહેને આપઘાત કર્યો હોવાની ફરિયાદ આપતાં પોલીસે મહેશ મનુ પરમાર, મનુ મંગળ પરમાર અને ગંગાબહેન મનુ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button