એ નેતાઓ જેમને દેશમાં બનેલી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું
મોરબી ઝુલતા પુલની ગોઝારી ઘટનાથી સમગ્ર ગુજરાત શોકગ્રસ્ત બન્યું છે. દેશ સહીત દુનિયાભરમાંથી લોકો મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ઘટનાની જવાબદારીને લઈને પણ એક બીજા પર દોષનો ટોપલો ઢોળવાના પ્રયત્નો થઇ રહ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગેરવ્યવસ્થા બદલ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. રાજીનામાની માંગણી કરતા તેમણે કહ્યું કે મોરબી પુલ અકસ્માત વ્યાપક ભ્રષ્ટાચારનું પરિણામ છે. રાજ્ય સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી તાત્કાલિક યોજવી જોઈએ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થવાની જ છે એવામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપશે કે કેમ એ સવાલ અત્રે પ્રસ્તુત નથી પરંતુ રાજ્યની સરકાર વડા તરીકે આ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારવાની પણ તેમણે દરકાર કરી નથી. પરંતુ દેશ-દુનિયામાં એવા અનેક દાખલાઓ છે જયારે કોઈ દુર્ઘટનાને કારણે પ્રધાન, મુખ્યપ્રધાન કે વડાપ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાં ધરી દીધા હોય.
1) લાલ બહાદુર શાસ્ત્રી, ભારત, 1956
ઓગસ્ટ 1956 માં આંધ્ર પ્રદેશના મહબૂબનગરમાં એક મોટો રેલ્વે અકસ્માત થયો હતો, જેમાં 112 જેટલા લોકો માર્યા ગયા હતા. અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારતા તત્કાલીન રેલ્વે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનું રાજીનામું પીએમ નેહરુને સોંપ્યું, પરંતુ નેહરુએ શાસ્ત્રીને રાજીનામું પાછું ખેંચવા સમજાવ્યા હતા. થોડા મહિનાઓ પછી નવેમ્બર 1956માં, તમિલનાડુના અરિયાલુરમાં બીજો રેલવે અકસ્માત થયો. આ દુર્ઘટનામાં 144 લોકોના મોત થયા હતા. શાસ્ત્રીજીએ તરત જ પોતાનું રાજીનામું પીએમને સુપરત કર્યું અને તેને વહેલી તકે સ્વીકારવાની વિનંતી કરી.
તેમના રાજીનામાના પત્રમાં શાસ્ત્રીજી લખ્યું કે, ‘મને લાગે છે કે હું જે હોદ્દો સંભાળું છું તે ચૂપચાપ છોડી દઉં તો મારા અને સમગ્ર સરકાર માટે સારું રહેશે.’ તપાસ સમિતિએ રેલ્વેપ્રધાનને કોઈપણ રીતે જવાબદાર ઠેરવ્યા ન હતા.
2) ચુંગ હોંગ-વોન, દક્ષીણ કોરિયા, 2014
16 એપ્રિલ, 2014ની સવારે દક્ષિણ કોરિયાના ઇંચિયોનથી જેજુ તરફ જતી Sewol ફેરી બોટ ડૂબી ગઈ હતી. ફેરી બોટમાં સવાર 476 મુસાફરોમાંથી 304 માર્યા ગયા હતા, પાંચ મૃતદેહો પ્રાપ્ત ન થઇ શક્યા. મૃતકોમાં 250 હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. લોકોને બચવા નિષ્ફળ ગયેલા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો. જેને લઈને દક્ષિણ કોરિયાના તત્કાલીન વડા પ્રધાન ચુંગ હોંગ-વોને નૈતિક ધોરણે રાજીનામું આપી દીધું હતું.
તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘મારા માટે યોગ્ય પગલું એજ છે કે આ ઘટનાની જવાબદારી સ્વીકારી કેબિનેટના પ્રભારી તરીકે રાજીનામું આપું.’
3) માર્ટા ટેમિડો, પોર્ટુગલ, 2022
ગત ઓગસ્ટ મહિનામાં પોર્ટુગલના લિસ્બન શહેરમાં 34 વર્ષીય ભારતીય મહિલાને હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહી હતી ત્યારે તેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. પ્રસૂતિ ગૃહોમાં સ્ટાફની અછત તથા તેમાંના કેટલાકને અસ્થાયી રૂપે બંધ કરવાને કારણે સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલો વચ્ચે જોખમી રીતે સ્થાનાંતર કરવા બદલ સરકારની ટીકા થઇ હતી.
પોર્ટુગલના આરોગ્ય પ્રધાન પદ પર રેહેલા માર્ટા ટેમિડોએ આ બેદરકારીની જવાબદરી સ્વીકારતા રાજીનામું આપી દીધું હતું. ડૉ. માર્ટા ટેમિડોએ કહ્યું કે “મને લાગી રહ્યું છે કે મારે હવે આ પદ પર રહેવું યોગ્ય નથી”.
3) વાલ્ડિસ ડોમ્બ્રોવસ્કિસ, લાત્વિયા, 2013
21 નવેમ્બર 2013 ના રોજ લાતવિયાના રીગા શહેરમાં આવેલા મેક્સિમા શોપિંગ સેન્ટરની છત તૂટી પડી હતી. જેમાં 54 લોકો માર્યા ગયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા.
લાતવિયાના વડા પ્રધાન વાલ્ડિસ ડોમ્બ્રોવસ્કિસે આ ઘટનાની રાજકીય જવાબદારી સ્વીકારતા રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે “દુર્ઘટના અને તમામ સંબંધિત સંજોગોને ધ્યાનમાં રાખીને મેં વડા પ્રધાન પદ પરથી મારું રાજીનામું સુપરત કર્યું છે.”
4) કોન્સ્ટેન્કા અર્બાનો ડી સોઝા, 2017
વર્ષ 2017માં 90 વર્ષમાં સૌથી સૂકા ઉનાળાનો સામનો કરી રહેલા ઉત્તર અને મધ્ય પોર્ટુગલના જંગલોમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
જેને કારણે ગૃહ મંત્રાલયને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પોર્ટુગલના ગૃહ પ્રધાન કોન્સ્ટેન્કા અર્બાનો ડી સોઝાએ જવાબદારી સ્વીકારતા રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામામાં તેમણે લખ્યું કે, “મારે મારા પદ પર બની રહેવું રાજકીય અને વ્યક્તિગત યોગ્ય નથી.”
5) એન સ્પીગેલ, જર્મની, 2022
અપ્રિલ 2022માં જર્મનીના પરિવાર અને મહિલા પ્રધાન એન સ્પીગેલે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સ્પીગેલ ડિસેમ્બર 2021માં ઓલાફ સ્કોલ્ઝની કેબિનેટમાં જોડાયા હતા. તે પહેલા, તેઓ રાઈનલેન્ડ-પેલેટિનેટ પ્રદેશના ડેપ્યુટી ગવર્નર હતા. જુલાઈ 2021માં જર્મનીમાં આવેલા પૂરથી આ વિસ્તારમાં 134 લોકોના મોત થયા હતા. પૂરના 10 દિવસ પછી સ્પીગેલ કુટુંબ સાથે ફ્રાન્સમાં અઠવાડિયાના વેકેશન પર ચાલ્યા ગયા હતા. સરકારમાં પ્રધાન બન્યા બાદ તેમની ટીકા થઇ રહી હતી જેને લઈને તેમણે રાજીનામુ આપી દીધું હતું.
6) એન્ક બિજવેલ્ડ અને સિગ્રિડ કાગ, નેધરલેંડ, 2021
ગત વર્ષે કે અફઘાનિસ્તાનમાં તાલીબાન ટેકઓવર સમયે કેટલાક ડચ નાગરિકોને બહાર કાઢવામાં સરકારની નિષ્ફળતા બદલ નેધરલેંડના વિદેશ પ્રધાન સિગ્રિડ કાગ અને સંરક્ષણ પ્રધાન એન્ક બિજવેલ્ડએ રાજીનામાં આપી દીધા હતા.
7) યોશિતાકા સાકુરાદા, જાપાન, 2019
2011ના ભૂકંપ અને સુનામીથી પ્રભાવિત લોકો માટે અપમાનજનક ગણાતી ટીપ્પણી કરવા બદલ વર્ષ 2019માં જાપાનના ઓલિમ્પિક પ્રધાન યોશિતાકા સાકુરાદાએ રાજીનામું આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે તેમણે એવી ટિપ્પણીઓ કરી છે જે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે.
તત્કાલીન વડાપ્રધાન શિંઝો આબેએ કહ્યું, “વડાપ્રધાન તરીકે હું આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં દરેકની માફી માંગુ છું.”
8) વિક્ટર પોન્ટા, રોમાનિયા, 2015
30 ઓક્ટોબર 2015 ના રોજ રોમાનિયાના બુકારેસ્ટ શહેરમાંમાં કલેક્ટિવ નાઈટક્લમાં આગ લાગવાથી 64 લોકોના મોત થયા હતા. આગને ભ્રષ્ટાચાર સાથે સાંકળતા વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા હતા. જેને કારણે રોમાનિયાના વડા પ્રધાન વિક્ટર પોન્ટાએ રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે “મને આશા છે કે સરકારના રાજીનામાથી સડકો પર ઉતરેલા લોકોને સંતોષ થશે”