ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં બટાકાની વાવણી ટાઈમે જ NPK ખાતરની અછત

Text To Speech

પાલનપુર : દેશભરમાં બટાટા હબ બનેલા ડીસામાં બટાકાની વાવણી ટાઈમે જ એનપીકે ખાતર ની અછત થતા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવણીના સમયે જ ખાતર ન મળતા ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની તેમજ મોટું આર્થિક નુકસાન થવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે ખેડૂતોએ જો સરકાર તાત્કાલિક ખાતરની વ્યવસ્થા નહીં કરે તો આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની સંભાવના

બટાટા નગરી ગણાતા ડીસામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. હાલમાં ખેડૂતો બટાકાના બિયારણ કાપવાની પ્રવૃત્તિમાં જોતરાયા છે, ત્યારે બટાટાની વાવણી સમયે જ એનપીકે ખાતરની અછત ઉભી થતા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 65000 હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. જેમાં વાવણી સમયે મુખ્ય ખાતર તરીકે એનપીકે ખાતર આપવાનું રહે છે. આથી જિલ્લામાં 1.5 લાખ ઉપરાંત બેગ એનપીકે ખાતરની જરૂરત પડે છે. પરંતુ આ વર્ષે યોગ્ય પ્રમાણમાં ખાતર નહીં આવતા હવે વાવણી સમયે જ ખાતરની અછત ઊભી થઈ છે.ખેડૂતો ખાતર માટે હાલ આમથી તેમ રઝળપાટ કરી રહ્યા છે.ખાતર ન મળવાના કારણે અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.

 

સરકાર તાત્કાલિક ખાતર ઉપલબ્ધ નહીં કરાવે તો ચૂંટણીમાં પરિણામ ભોગવવાની તૈયારી રાખે: ખેડૂતો

હાલમાં ડીસા તથા બનાસકાંઠા જિલ્લામાં કુલ મળીને 40 થી 50 હજાર બેગ જેટલા બિયારણની તાત્કાલિક જરૂર છે. જો આટલા પ્રમાણમાં ખાતરનો જથ્થો એક બે દિવસમાં ઉપલબ્ધ નહીં થાય તો અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જશે તેમ જ અનેક ખેડૂતો બટાકાની વાવણી કરી શકશે નહીં.જેથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતી ઉભી થઈ છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે, સરકારે તાત્કાલિક ધોરણે બનાસકાંઠામાં એનપીકે ખાતર ઉપલબ્ધ કરાવવું જોઈએ. હાલમાં ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને સરકાર ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આથી જો સરકાર ખરા ટાઈમે ખેડૂતોને ખાતર ઉપલબ્ધ નહીં કરાવે તો આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવાની સરકારે પણ તૈયારી રાખવી પડશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.

આ પણ વાંચો : LIVE : મોરબીમાં વડાપ્રધાન મોદીએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી વાતચીત

Back to top button